બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં બીપર જોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. થરાદથી સાચોરને જોડતો હાઇવે એક તરફનો બંધ થયો છે જેના કારણે વાહન ચાલકો અટવાયા છે. રોડની બાજુમાં આવેલી દુકાનો તેમજ અનેક મકાનોમાં પાણી ઘુસ્યા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વાહન ચાલકો અટવાયા: થરાદ-સાચોર હાઇવે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે થરાદ સાચોર હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ થયો છે. વાહન ચાલકોની માંગ છે કે સત્વરે તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી તેમને અહીંથી ચાલવામાં મુશ્કેલી ન પડે.
સોસાયટી આગળ ભરાયાં પાણી: વધુ પડતા વરસાદને કારણે સોસાયટીના રહીશોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સોસાયટીના રહીશો પણ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા સત્વરે પાણીનું નિકાલ કરવામાં આવે જેથી તેમની અવરજવર ચાલુ થઈ શકે. અત્યારે લોકોને મજબૂરીમાં ઘરની અંદર પુરાઈ રહેવું પડે છે.
દુકાનો સતત બે દિવસથી બંધ: સતત પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા દુકાનો સતત બે દિવસથી બંધ છે. દુકાનદારોને હાલ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અનેક ગામડાઓમાં જવાના રસ્તાઓ પણ પાણી: બે દિવસથી બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે. ડીસા તાલુકાના વરનોડા ગામ થી લાખણી ના નાણી જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. આ માર્ગ પર ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા 15 થી 20 જેટલા ગામને જોડતો માર્ગ સંપર્ક વિહોણા બની ગયા છે. લોકોને અવર-જવરમાં પણ ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે.