બનાસકાંઠા : રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી કમોસમી કુદરતી આપત્તિઓના કારણે વારંવાર નુકસાની બેઠવી રહ્યો છે. અગાઉ વારંવાર કમોસમી વરસાદની સાથે પડેલા કરાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ફરી એકવાર ખેડૂતોને પાકમાં થયેલી નુકસાનની ભરપાઈ થશે તેવી આશા બંધાઈ હતી. નવેસરથી ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ કુદરત જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર પ્રકોપ રહી હોય તેમ એક બાદ એક ખેડૂતો કુદરતી પ્રકોપના કારણે નુકસાની ભોગવી રહ્યા છે. ફરી એકવાર બનાસકાંઠા પંથકમાં ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોએ કરેલા ઇઝરાયેલ ખારેકમાં મોટું નુકસાન સામે આવ્યું છે.
ઇઝરાયેલી ખારેકમાં નુકસાન : તાજેતરમાં બનાસકાંઠામાંથી પસાર થયેલું બિપરજોય વાવાઝોડાએ અનેક બાગાયતી પાકોમાં વેર વિખેર કરી દીધું છે. મહત્વની વાત છે કે સતત બે દિવસ સુધી ચાલેલા ભારે પવનના કારણે દાડમ અને ઇઝરાયેલી ખારેકમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, ત્યારે દિયોદર તાલુકામાં પણ ભારે પવનના કારણે ખારેકના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. જેમાના એક ખેડૂતના ખેતરના દ્રશ્યોમાં સામે આવ્યા છે.
વાવાઝોડાના કારણે ખારેકના પાકમાં બેથી ત્રણ લાખનું નુકસાન થયું છે. મોટાભાગની ખારેકની લુમ પવનના કારણે પડી ગઈ છે, અમુક ખારેક ફાટી ગઈ છે અને એક બીજીને ઘસાવવાના કારણે ખારેક ઉપર સ્ક્રેચ પડી ગયા છે. જેના કારણે ખારેક ખરાબ થઈ ગઈ છે. છોડ પર મિનિમમ 10થી 15 કિલો ખારેક નીચે પડી ગઈ છે. જે પણ ખજૂર બચી છે તે સ્ક્રેચના કારણે એમાં જોઈએ એવા બજાર ભાવ પણ ન મળે એટલે ખૂબ મોટું નુકસાન છે. તો સરકાર આમાં કંઈક સર્વે કરી યોગ્ય સહાય કરે તેવી અમારી આશા છે. - પ્રેમ ચૌધરી (ખેડૂત)
પાંચ વિઘામાં ખારેકનું વાવેતર : ઉલ્લેખનીય છે કે, ખેડૂત પ્રેમ ચૌધરીએ પોતાના 5 વિઘા ખેતરમાં મહામુસીબતે ખારેકના વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને આ ખેડૂતને ખારેકના પાકમાંથી સારી એવી આવક થશે તેવી આશા બંધાણી હતી, પરંતુ ભારે વરસાદના પગલે આ પાંચ વીઘા જમીનમાં ખેડૂતે કરેલી ઇઝરાયેલી ખારેકમાં નુકસાન થયું છે. પવનના કારણે ઝાડ પરથી જે ઇઝરાયેલ ખારેક હતી તે નીચે જમીન પર ભટકાઇ હતી. તો બીજી તરફ ઇઝરાયેલી ખારેકના વૃક્ષો પણ ભારે પવનના કારણે નમી ગયા છે. જેથી ખેડૂતને ભારે આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર આ બાબતે તાત્કાલિક ધોરણે ઇઝરાયેલી ખારેકમાં થયેલા નુકસાનનું સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂત માંગ કરી છે.