બનાસકાંઠા : બનાસકાંઠાના દિયોદરમાં અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. જેના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી છે. જોકે, અહીં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન સાથે મુલાકાત કર્યા બાદ અમરાભાઈ અને અન્ય ખેડૂતો ગોઝારીયા પરત ફર્યા હતાં. આ સમયે આંદોલન સમેટવાને લઈ ખેડૂતો વચ્ચે મતમતાંતર જોવા મળ્યા હતાં. જો કે, પોલીસે તમામ ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો
તારીખ 7 8 2023 ના રોજ દિયોદર ખાતે અટલ ભૂજલ યોજનાનો કાર્યક્રમ હતો. જેમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ તેમજ અટલ ભૂજલ યોજનાના જિલ્લાના અધિકારીઓ પણ હાજર હતાં. જેમાં હું ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા ગયો હતો. જેમાં મારી રજૂઆત કરેલી ન ગમતા કેશાજી ચૌહાણના સમર્થક દ્વારા મને કાર્યક્રમ પત્યા પછી નીકળતા સમયે મારી પર હુમલો કરવામાં આવ્યો અને મને જાહેરમાં લાફો મારવામાં આવ્યો હતો. જે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના ઇશારે થયો હતો...અમરા ચૌધરી(ખેડૂત આગેવાન)
ગાંધીનગર સુધી વિરોધ રેલી : અમરા ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે અમે દિયોદર તાલુકાના સણાદર ગામમાં આવેલા મા અંબાના મંદિરેથી દર્શન કરીને પગપાળા યાત્રા ગાંધીનગર સુધી યોજી હતી. જેમાં અમારી એક જ માંગ હતી. માત્ર ને માત્ર આ વાતની અંદર દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ જાણે છે અને એમના ઇશારે આ હુમલો થયો છે તેથી તે તાત્કાલિક ધોરણે રાજીનામું આપે. ત્યારે મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામે પહોંચતા તંત્ર દ્વારા અમારી રેલીને અટકાવવામાં આવી હતી અને મને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
મુખ્યપ્રધાન પાસે રજૂઆત કરવા માટે લઈ જવાયા : ત્યારબાદ અમને અમારી સમિતિના સભ્યોને ગાંધીનગર મુખ્યપ્રધાન પાસે રજૂઆત કરવા માટે લઈ જવાયા હતા ત્યારે મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમને સાંભળવામાં આવ્યાં. અમારી રજૂઆતો સાંભળી અને અમને વિશ્વાસ આપવામાં આવ્યો કે તમારી સાથે જે ઘટના બને છે તેમાં તટસ્થ તપાસ થશે. જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં કોનો હાથ છે ધારાસભ્ય છે કે નહીં તે માટે સ્પેશિયલ તપાસ ભુજ રેંજને સોંપવામાં આવી છે.
અન્ય માગણીઓ પણ રજૂ કરાઇ : અમારી જે બીજી બે ત્રણ માંગણીઓ છે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે જે માંગોને ન્યાય આપવા માટેની વાત એમણે કરી છે અને મને વિશ્વાસ આપ્યો છે. એટલા માટે અમે અમારી હાલ આજે પગપાળા યાત્રા હતી અને જે આંદોલન હતું તેને અમે અહીં પૂરું કર્યું છે. પરંતુ જો અમારી આ માંગણીઓ નહીં સંતોષાય અમને ન્યાય નહીં મળે તો આવનાર સમયની અંદર પણ આ આંદોલન ઉગ્ર બનશે અને આમાં હજારો ખેડૂતો જોડાશે.