બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પણ ખેડૂતોને નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર ચોમાસાની ઋતુમાં થાય છે અને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતો વરસાદ આધારિત જ ખેતી કરતા હોય છે. ત્યારે આ વખતે ચોમાસામાં લગભગ એક મહિના જેટલો વરસાદ ખેંચાતા વાવેતર પર માઠી અસર થઈ રહી છે. જેથી સિંચાઈના પાણીની માગ ઉઠી છે.
ખેડૂતો ચિંતાતુર : ખાસ કરીને ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાં આ વખતે વરસાદ ખૂબ જ ઓછો થયો છે શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ ચોમાસુ સારું રહેશે તેવી આશાએ ખેડૂતોએ મગફળી, બાજરી, એરંડા અને ગવાર સહિતના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ એક મહિનાથી નહિવત વરસાદ થયો છે અને આ વરસાદ ખેંચતા હવે તમામ પાક મૂરઝાવા લાગતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
એક મહિનાથી વરસાદ ખેંચાયો : આ બાબતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં બનાસકાંઠા જિલ્લાના થેરવાડા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને વરસાદની આશાએ ખેતી કરી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો છે જેથી અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને જે ખેતી કરી હતી તે ખેતી અત્યારે બળી રહી છે.
જો આ અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો અમારી સમગ્ર ખેતી બળી જશે અને અમે નિરાધાર થઈ જઈશું. અમે ખેતી સાથે સાથે પશુપાલન પણ નહીં કરી શકીએ. કારણ કે પશુઓને પણ શું ખવડાવવું એ મોટો પ્રશ્ન ઉભો થશે. જેથી અમારી એક માંગ છે કે સરકાર દ્વારા અમને નર્મદાનું પાણી સીપુમાં નાખે અને સીપુ ડેમ મારફતે જો અમને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો અમે ખેતી કરી શકીએ તેમ છીએ. બાકી અમે કોઈ ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકીએ તેમ નથી...રમેશભાઇ રબારી અને વેલાભાઇ સુથાર (ખેડૂત, થેરવાડા)
ખેતરો સૂકાભઠ : અત્યારે મોટાભાગના ખેતરો જે શરૂઆતના દિવસોમાં સારા વરસાદના કારણે લીલાછમ જોવા મળી રહ્યા હતા તે તમામ ખેતરોમાં હાલ પાક મુંજાઈ જતા ખેડૂતોના માથે આભ તૂટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. પાણી વગર હાલ તમામ ખેડૂતોના ખેતરો સૂકાભઠ જોવા મળી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જો આગામી સમયમાં વરસાદ નહીં થાય તો ખેડૂતોને ફરી એકવાર પોતાના પાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવશે .ત્યારે હાલ તો જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે એકવાર ફરી સારો એવો વરસાદ થઈ જાય જેથી ખેડૂતોનો છે પાક વિલાઇ રહ્યો છે તે જીવિત થઈ જાય.
કયા પાકને અસર : ખેડૂતોએ આ વર્ષે ચોમાસા સીજન દરમિયાન મોઘા બિયારણો લાવી મગફળી બાજરી કપાસ એરંડા સહિતનું વાવેતર કર્યું હતું. પરંતુ જે પ્રમાણે વરસાદ ખેંચાઈ ગયો છે. ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આપત્તિઓના કારણે વારંવાર નુકસાની વેઠવી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોના વહારે આવી અને ખેડૂતોનું લાઈટ બિલ માફ કરે તેવી માંગ કરી રહ્યા છે.
હાલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો પરંતુ એનાથી નોંધપાત્ર નુકસાન હજુ સુધી થયું નથી અને એના માટે અમારી ટીમ દ્વારા દર અઠવાડિયે રિપોર્ટ કરવામાં આવે છે પરંતુ એટલું બધું નુકસાન હજુ છે નહીં અને જો આવનાર સમયમાં જો નુકસાન દેખાશે તો એનો રિપોર્ટ કરીને સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે...એમ.એમ પ્રજાપતિ (જિલ્લા ખેતીવાડી અધિકારી)
વરસાદ પર નિર્ભર ખેતી : બનાસકાંઠા જિલ્લમાં મુખ્યત્વે ખેતી અને પશુપાલન વરસાદ પર નભે છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં દિવસે અને દિવસેને પાણીના તળ નીચે જઈ રહ્યા છે તેથી ખેડૂતો બોરવેલથી ખેતી કરી શકતા નથી. આ વર્ષે એક સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. ત્યારબાદ વરસાદે ખો આપતાં ખેતી હવે બળી રહી છે. જેથી હવે ખેડૂતોને પડતા પર પાટુ ખાવાનો વારો આવ્યો છે. અનેક ખેડૂતોએ તો વ્યાજે રૂપિયા લાવીને પણ ચોમાસુ ખેતી કરી હતી. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બળી રહ્યો છે તેથી ખેડૂતોની ચિંતાનો પાર નથી.