બનાસકાંઠા : જિલ્લાનો સરહદી વિસ્તાર વર્ષોથી પીવાના પાણી માટે તરસી રહ્યો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં નર્મદા કેનાલનું પાણી બંધ થતા સાથે જ સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. ત્યારે આ વર્ષે પણ નર્મદા કેનાલ બંધ થતાની સાથે જ ઉનાળાના સમયમાં પીવાના પાણીની વાવ તાલુકાના અનેક ગામોમાં વિકટ સમસ્યા સર્જાઇ હતી. જેને પહોંચી વળવા માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણીના ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. પરંતુ તેમ છતાં પણ વાવ તાલુકાના એવા અનેક ગામો હતા કે જ્યાં ટેન્કર પણ પહોંચતું ન હતું.
પીવાના પાણીની સમસ્યા : આ વિસ્તારમાં ગામના લોકોને દૂર દૂર સુધી પીવાનું પાણી ભરવા માટે મજબૂર બનવું પડ્યું હતું. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હાલ ચોમાસાનો સમય ચાલે છે, તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકામાં હજુ પણ પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથા નેસડા ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી આવતું નથી. જેના કારણે મહિલાઓ હાથમાં બેડું લઈ દૂર દૂર સુધી અન્ય ખેતરમાં પાણી ભરવા જવા માટે મજબૂર બન્યા છે. એક તરફ હાલમાં કાળજાળ ગરમી સરહદી વિસ્તારોમાં પડી રહી છે. તો બીજી તરફ મહિલાઓને સવારથી જ બેડા લઈ પાણી ભરવા જવા માટે પણ ઘણી બધી તકલીફો પડી રહી છે.
અધિકારીઓના ઉડતા જવાબ : આ બાબતે ETV BHARAT દ્વારા જિલ્લા પાણી પુરવઠા અધિકારી ડી. એમ. બુંબડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે મને કંઈ ખ્યાલ નથી. આ બાબતે મારે ત્યાંના સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર સાથે વાત કરીને તમને જણાવું. ત્યારબાદ ફરી ETV BHARAT દ્વારા આ અધિકારીનો કોન્ટેક કરતા તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું અને જવાબ આપ્યો ન હતો.
અમારા ગામમાં છેલ્લા છ થી સાત મહિનાથી પીવાનું પાણી આવતું નથી. તેથી અમને ખૂબ મુશ્કેલી પડે છે. જ્યાંથી પાણી આવે છે ત્યાંથી વચ્ચે અમુક લોકો દ્વારા પાણીની ચોરી કરી ખેતી માટે પાણી વાપરે છે. તેથી અમારા સુધી પીવા માટે પાણી અમને મળતું નથી. અમે તંત્રને અનેક વાર રજૂઆત કરી છે. પરંતુ તંત્ર કંઈ સાંભળતું નથી. જેથી અમારી હજુ પણ માંગ છે કે, તંત્ર દ્વારા સત્વરે અમને પીવા માટે પાણી મળી રહે તે વ્યવસ્થા કરી આપવામાં આવે. -- ઠાકરસિંહ રાજપૂત (સ્થાનિક)
પાણી માટે વલખા : આ તમામ પરિસ્થિતિ વચ્ચે પીવાના પાણીને લઈ મહિલાઓમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગામમાં આવેલા પાણીના સંપમાં પાણી ન આવતું હોવાના કારણે ગામમાં પાણીની સમસ્યા સામે આવી છે. ત્યારે ગામની મહિલાઓ હાલ આવી ગરમીમાં પણ પોતાના પરિવાર સાથે દૂર દૂર સુધી બેડા લઈ પાણી ભરવા માટે મજબૂર બની છે. ત્યારે હાલ તો આ ગામની મહિલાઓ માંગ કરી રહી છે કે, તાત્કાલિક ધોરણે ગામમાં પીવાના પાણીની સમસ્યાનો હલ લાવવામાં આવે.
મહિલાઓ મજબૂર : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દર વર્ષે પીવાના પાણી માટે ઉનાળા બાદ કકળાટ શરૂ થઈ જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથા નેસડા ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી મળતું નથી. જેના કારણે ગામમાં વસવાટ કરતા લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી પગપાળા જવા મજબૂર બનવું પડ્યું છે. ગ્રામજનોનું માનવું છે કે, ચોથા નેસડા ગામના ખેડૂતો પોતાના ખેતરોમાં જે પાઈપલાઈન દ્વારા પાણી ગામમાં સંપ સુધી પહોંચાડવામાં આવે છે. તે સંપનું પાણી પોતાના ખેતરોમાં જ ઉતારી દે છે. જેના કારણે પાણી ગામમાં આવેલા સંપ સુધી પહોંચતું નથી. જેના કારણે હાલમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે .
લોકોને પાણી ન મળે એ ખૂબ મોટી સમસ્યા કહેવાય અને બિલકુલ ગંભીરતાથી લઈને આ પાણી માટે હું પૂરો પ્રયત્ન કરું છું. લોકોને પાણી મળી રહે એ દિશામાં હું હાલ કાર્યવાહી હાથ કરું છું. -- પરબતભાઈ પટેલ (બનાસકાંઠા જિલ્લા ભાજપ સાંસદ)
જિલ્લા તંત્રને જાણ જ નથી ! આ બાબતે બનાસકાંઠા કલેકટર અરુણ બરુણવાલ સાથે ETV BHARAT દ્વારા ટેલિફોનિક વાતચીત કરી હતી. અરુણ બરુણવાલે જણાવ્યું હતું કે, મને ETV BHARAT દ્વારા હાલ આ બાબતની જાણ થઈ છે કે, સરહદી વિસ્તાર ચોથા નેસડામાં પાણી પહોંચતું નથી. એ બાબતે હું હવે તટસ્થ તપાસ કરાવીશ અને લોકોને પાણી મળી રહે તે માટેના પૂરો પ્રયત્ન કરું છું.
દીકરી આપવા કોઈ તૈયાર નથી : આ બાબતે સ્થાનિક લોકોએ અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે છેલ્લા ઘણા સમયથી પાણી વગર આ ગામ ભારે હાલાકી ભોગવી રહી છે. તો બીજી તરફ ગ્રામજનોનું માનવું છે કે, આ ગામમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી ચાલી આવી રહી છે. જેના કારણે ગામમાં હાલ કોઈપણ બાળકની સગાઈ પણ લોકો કરવા માટે તૈયાર નથી. અહીં અન્ય ગામના લોકો સગાઈ કરવા માટે આવે છે, ત્યારે એક જ પ્રશ્નો ઉભો થાય છે કે, આ ગામમાં પીવાનું પાણી નથી તો અમે આ ગામમાં દીકરીના લગ્ન કરાવીશું નહીં.
ગ્રામજનોની માંગ : આ તમામ પરિસ્થિતિ વચ્ચે આ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં બહારથી 800 રૂપિયા આપીને લોકો ટેન્કર મંગાવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક વહીવટી તંત્ર દ્વારા આ ગામમાં પીવાનું પાણી પહોંચાડવામાં નહીં આવે તો, આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.