બનાસકાંઠા : ડીસા તાલુકાના થેરવાડા ગણેશપુરા સુધીનો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ હાલતમાં છે. 3 કિલોમીટર સુધીના આ માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ માર્ગ પર થેરવાડા, તાલેપુરા, ધાનપુરા, ઘાડા, આગડોલ, ગણેશપુરા સહિત છ જેટલા ગામો આવેલા છે. રોજના 2000 થી 3000 હજાર જેટલા લોકો આ માર્ગ પરથી અવરજવર કરે છે.
બિસ્માર રોડ-રસ્તા : આ વિસ્તારમાં રોડ-રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે. જ્યારે તાલેપુરાથી ગામમાં જતા માર્ગ પર પણ કોન્ટ્રાક્ટરે મેટલ પાથર્યા બાદ રોડનું કામ અધૂરું મૂકી દેતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ મામલે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે કંટાળેલા ગ્રામજનોએ વહેલી તકે રોડ બનાવવાની માંગ કરી છે. ઉપરાંત જો રોડ બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગ્રામજનોની માંગ : આ અંગે તાલેપુરા ગામના સરપંચ શાંતિભાઈ ચૌધરી અને સ્થાનિક માધાભાઈએ જણાવ્યું હતું કે, થેરવાડાથી ગણેશપુરા સુધીના ખરાબ માર્ગ પર મેટલ પાથર્યા બાદ રોડ બન્યો નથી. અહીથી રોજના 2000 થી 3000 વધુ લોકો પસાર થાય છે. જેઓ હવે પરેશાન થઈ ગયા છે. જેથી તંત્ર ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં કલેકટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ રસ્તા પર મસમોટા ખાડા પડતા લોકોએ રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ થાય અને ગામ લોકોની સમસ્યા તાત્કાલિક હલ થાય તેવી ગ્રામજનોની માંગ છે.
રોડ નિર્માણનું કામ અધૂરું : આ બાબતે આર એન્ડ બી વિભાગના અધિકારી હર્ષદ પટેલ સાથે ETV BHARAT દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ રસ્તાની બાબત છે તે રસ્તો થોડા સમય પહેલા બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જે અગાઉ કોન્ટ્રાક્ટર કામ કરતો હતો તેની બેદરકારી હતી. જેથી તેનું કામ બંધ કરાવ્યું હતું. જેના કારણે હાલ આ કામ બંધ પડ્યું છે. તો નવું ટેન્ડર બહાર પાડી નવેસરથી આ કામ ચાલુ કરવામાં આવશે.