- બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ઘટનામાં વધારો
- બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસે બાઈક સાથે ચોર ઝડપ્યો
- પોલીસે બાઈક ચોરની અટકાયત કરી બાઇક સહિત કુલ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી
બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના સામે આવી રહી હતી. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે રાજસ્થાનમાંથી અસામાજિક તત્વો મોટી સંખ્યામાં વાહનો ચોરી કરીને લઇ જતાં હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ચોરીની મોટી-મોટી ઘટનાઓ સામે આવતી હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અત્યાર સુધી અનેક ચોરીઓની ઘટનાઓ સામે આવી છે. ત્યારે સતત વધતી જતી ચોરીની ઘટનાને લઇને સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે બાઈક સાથે ચોરને ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એમાં ડીસા અને પાલનપુરમાં અનેક જગ્યાએ બાઈકની ઉઠાંતરી થતા જિલ્લા LCBની ટીમ સક્રિય બની હતી. ગઈકાલે શનિવારે પાલનપુરના માલણ દરવાજા પોલિટેકનિક પાસે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાઇક લઇને નીકળેલા એક શંકાસ્પદ શખ્સને ઉભો રાખીને તેની પૂછપરછ કરતાં તેની પાસેથી ચોરી કરેલું બાઈક મળી આવ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં મોજશોખ પૂરા કરવા બાઈકની ચોરી કરનારા બે આરોપી ઝડપાયા
8 ચોરી કરેલા બાઇક સહિત કુલ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેને ડીસા અને પાલનપુરમાં અલગ-અલગ 8 જગ્યાએ બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને આ તમામ બાઈક ડીસાના રાણપુર ગામે આવેલા લાલજી વાઘણીયાના રહેણાંક મકાનમાં સંતાડયા હોવાનું જણાવતા પોલીસે તમામ બાઈક કબજે કર્યા હતા. પોલીસે બાઈક ચોર જીગર કાંતિલાલ પટેલની અટકાયત કરીને 8 ચોરી કરેલા બાઇક સહિત કુલ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન ચોરી કરનારા સામે કડક કાર્યવાહી કરવા લોકમાગ
બનાસકાંઠા જિલ્લામાં સતત વધતી જતી ચોરીની ઘટનાને લઇને સ્થાનિક લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામીણ વિસ્તાર ચોર ટોળકી છેલ્લા ઘણા સમયથી સક્રિય બની હતી અને એક બાદ એક ચોરીઓની મોટી-મોટી ઘટનાને અંજામ આપી રહ્યા હતા. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ઘટનાઓ પણ સતત લોકોને હેરાન-પરેશાન કરી રહી હતી. ત્યારે પોલીસની સતર્કતાને કારણે અનેકવાર વાહન ઝડપાતા હોય છે. ત્યારે આવી વાહનચોર ટોળકીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકમાગ ઉભી થઈ છે.
આ પણ વાંચો: બનાસકાંઠા LCBએ બાઈક ચોરી કરતા બે શખ્સોને ઝડપ્યા