બનાસકાંઠાઃ પાલનપુરના કુંભલમેર ગામે એક હત્યાનો ગુનો પોલીસે ઉકેલ્યો છે. આ ગુનોની વિગતો સામે આવી ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પતિએ પોતાના પ્રેમી સાથે મળી પતિની કરપીણ હત્યા કરી દીધી. ત્યારબાદ મૃતકે આત્મહત્યા કરી હોય તેવું નાટક રચ્યું હતું. પરિવારજનોએ મૃતકના મૃત્યુને આત્મહત્યા ગણી લીધી. મૃતકના અંતિમક્રિયા પણ કરી દીધી હતી. ત્યારબાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
બાળકની જુબાનીને લીધે ભેદ ઉકેલાયોઃ કુંભલમેર ગામે પ્રવિણજી ઠાકોર રસોઈ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના પત્ની પૂનમ ઠાકોરને અન્ય યુવક જીતેન્દ્રજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતો. પૂનમ અને તેના પ્રેમીએ પ્રેમ સંબંધમાં કાંટારૂપ બનતા પતિ પ્રવિણજીનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યુ. 6 ઓક્ટોબરની મોડી રાત્રે જીતેન્દ્રજી અને પૂનમે સાડીથી પતિ પ્રવિણજીનું ગળુ ટૂંપી દીધું. પ્રવિણના પ્રાણ પંખેરુ ઉડી ગયા બાદ મૃતદેહને લટકાવીને પ્રવિણે આત્મહત્યા કરી હોય તેવું નાટક રચ્યું. મૃતકનો પુત્ર આ આખી ઘટનાનો સાક્ષી હતો. આ પુત્રએ પોતાના દાદા રાજુજી ઠાકોરને સમગ્ર બનાવની વિગતો જણાવી દીધી હતી.
પિતાએ દાખલ કર્યો ગુનોઃ મૃતકના પિતાએ ગઢ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને પૂનમની આકરી પુછપરછ કરી હતી. પૂનમે પોલીસ હત્યાનો ગુનો કબૂલી લીધો અને કેવી રીતે સમગ્ર કરુણ ઘટનાને અંજામ આપ્યો તે પણ વર્ણન કર્યું. પોલીસે પૂનમ અને તેના પ્રેમી જીતેન્દ્રની ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ શરૂ કરી છે.
મૃતકના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવે છે કે અમારા દીકરાએ આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા થઈ છે. તેથી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની તપાસ સોંપી હતી. સ્થાનિક પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મૃતકની હત્યા તેમના પત્ની અને પ્રેમી દ્વારા સાથે મળીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે...અક્ષરાજ મકવાણા(જિલ્લા પોલીસ વડા, બનાસકાંઠા)