- બનાસડેરીમાં દરરોજનું 85 લાખ લીટર દૂધની આવક
- 20 લાખ પશુઓનું દૂધ દરરોજ આવે છે ડેરીમાં
- પશુઓની યોગ્ય માવજત માટે શરૂ કરાઇ પશુ મોબાઈલ એપ
બનાસકાંઠાઃ જિલ્લામાં મુખ્ય વ્યવસાય ખેતી છે, પરંતુ અહીં પાણીનાં ઊંડા તળ અને દુષ્કાળની સ્થિતિ સર્જાતી હોવાથી અહીં ખેડૂતો માત્ર ખેતી પર નિર્ભર રહી શકતા નથી. તેથી જિલ્લામથક પાલનપુર ખાતે આવેલી બનાસ ડેરી ખેડૂતો માટે જીવનસ્ત્રોત સમાન સાબિત થઈ છે. બનાસ ડેરીના લીધે અહીંના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન તરફ વળ્યાં છે, જેમાં પશુપાલકો આજે લાખ્ખો રૂપિયાઓનું દૂધ ભરાવી સમૃધ્ધ થયાં છે. બનાસ ડેરીમાં દરરોજનું 85 લાખ લીટર દૂધ આવે છે, જે 20 લાખથી અધિક પશુઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે તમામ દુધાળા પશુઓની યોગ્ય માવજત થાય અને તેમને જરૂરી સારવાર પણ સમયસર મળતી રહે તે માટે ડેરી દ્વારા પશુ મોબાઈલ એપ શરૂ કરાઇ છે.
મોબાઈલ એપ બનાવનારી બનાસ ડેરી દેશની પ્રથમ દૂધ ડેરી બની
આ પ્રકારની એપ બનાવનારી બનાસ ડેરી દેશની પ્રથમ દૂધ ડેરી બની છે. આ એપ્લિકેશનમાં પશુઓની તમામ માહિતી અને તેમને આપવામાં આવેલી સારવારની સંપૂર્ણ માહિતી અપલોડ કરવામાં આવશે. જેના માટે 20 લાખ પશુઓને ટેગ પણ લગાવી દેવાયા છે.ડેરીમાં દૂધ આપતાં દુધાળા પશુઓના રક્ષણ માટે ડેરી કટિબદ્ધ છે. તેથી ડેરીએ 150 જેટલાં નિષ્ણાત પશુ ચિકિત્સકો પણ તૈનાત કર્યા છે. જે આ એપ્લિકેશનમાં આવેલી ફરિયાદના સ્થળે રૂબરૂ મુલાકાત કરી પશુઓને યોગ્ય સારવાર પુરી પાડશે. આ ઉપરાંત ડેરી દ્વારા પશુ એમ્બયુલન્સ પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
પશુ મોબાઈલ એપ અને પશુ ટેગની સુવિધા ઉભી કરવામાં આવી
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે આ યુનિક પશુ મોબાઈલ એપ લોન્ચ કરાઈ છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, 20 લાખ દુધાળા પશુઓને ટેગ લગાવી તેમને પશુ એપ સાથે જોડવામાં આવ્યા છે. જેથી પશુની તમામ સ્થિતિની જાણકારી મળી રહેશે. જેના લીધે પશુપાલક ડેરીની મદદ લઇ પશુઓને વધુ સુરક્ષિત કરી શકશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ડેરી પશુઓ અને પશુપાલકો બન્નેને પૂરતી સુરક્ષા આપવા કટિબદ્ધ છે. તેથી જ પશુ મોબાઈલ એપ થકી ડેરી આજે દેશની પ્રથમ ડેરી બની છે. જે જિલ્લાવાસીઓ માટે પણ ગર્વની વાત છે.