બનાસકાંઠાઃ જિલ્લામાં દરેક કોમના વિવિધ રીતરિવાજ જોવા મળે છે. દરેક સમાજના લોકો લગ્ન અને મૃત્યુ સમયે પોતાના સમાજ દ્વારા બનાવાયેલા રીતરિવાજનું પાલન કરવામાં આવે છે. પરંતુ જેમ-જેમ યુવાનોમાં સાક્ષરતાનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ દરેક સમાજના રીતરિવાજોમાં બદલાવ જોવા મળ્યો છે.
બનાસકાંઠામાં અગાઉ ઠાકોર સમાજના રિતરીવાજોમાં સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના અનેક રિવાજોમાંથી લોકોને મુક્ત કરાયા હતા, ત્યારે હવે બ્રહ્મ સમાજમાં પણ સમાજના લોકો દ્વારા અનેક રીતરિવાજો દૂર કરવામાં આવ્યા હતા.
બ્રહ્મ સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના ગોળમાં ચાલતા રિવાજ મુજબ સમાજના લોકોને ભોજન કરાવવાનો રિવાજ છે. જો કે આવા કુરિવાજો ડામવા સમાજના અલગ-અલગ ગોળના સામાજિક તેમજ રાજકીય 44 જેટલા આગેવાનોએ ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ બુધવારે પાલનપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય પાલનપુર શહેરના યુવા પ્રમુખ ધવલ મહાશંકરભાઈ જોષી સહિતના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કેટલાંક કુરિવાજો સમાજમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્ય બનાસકાંઠા જિલ્લા પ્રભારી ભરતભાઇ વ્યાસ, અતુલભાઇ ચોક્સી, લલિતભાઈ પુરોહિત સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.