બનાસકાંઠાઃ ડીસામાં શોપિંગ સેન્ટરમાં દવાખાનું ચલાવતા તબિબને ત્યાં મંગળવારે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હોમિઓપેથીની ડીગ્રી હોવા છતાં એલોપથી દવા કરતાં તબિબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ડીસા શહેરના ચંદ્રલોક રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામેના દિપ-મીત કોમ્પ્લેક્ષમાં ડૉ. દિપક મોદી ખાનગી દવાખાનું ચલાવે છે. ડૉક્ટર દ્વારા જાહેરમાં મેડીકલ વેસ્ટ નાખતો હોવાથી સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આથી મંગળવારે બપોર બાદ ડીસા આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતાં મેડીકલ વેસ્ટ ઉપરાંત એલોપથી દવા મળી આવી હતી.

જેથી તપાસ અધિકારીઓએ ડીગ્રી ન હોવા છતાં લોકોને દવા, ઇન્જેક્શન અને બાટલા ચઢાવી એલોપથી દવા કરનારા ડૉ. દિપક મોદીને નોટીસ ફટકારી ડીગ્રી અંગે ખુલ્લાસો કરવા જણાવ્યું હતું. આ અંગે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જે. એચ. હરીયાણીએ જણાવ્યું હતુ કે, "મેડીકલ વેસ્ટ સહિતના મુદ્દે સ્થાનિક રહિશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જેથી તપાસ કરતાં ડૉકટર દિપક મોદીએ કોઇ પણ પ્રકારની ડીગ્રી લખ્યા વગર એલોપથી દવા કરતો હતો અંને દવાખાના માથી દવા સહિતનો જથ્થો મળી આવ્યો છે. જે અંગે કાયદેસરની કાર્યવાહી કરાશે."