અંબાજીઃ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં જગત જનની માં અંબા બિરાજમાન છે. ત્યાં લાખો શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને મા અંબાના જયઘોષથી મંદિર પરિષર ગુંજી ઉઠતું હોય છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે ત્રણ મહિના જેટલું અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા મંદિર પરિષર જ નહીં પણ સમગ્ર અંબાજી ધામમાં સન્નાટો છવાઈ ગયો હતો.
જો કે સતત ત્રણ માસના લોકડાઉન બાદ ગત 12 જૂનથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે સરકારના ધારા ધોરણ મુજબ ખોલવામાં આવ્યા પણ અગાઉની જેમ દર્શનાર્થીઓની ભીડ ન જોવા મળતા મંદિરની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જે પ્રમાણે સરકારની ગાઈડ લાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યાત્રિકોને પ્રવેશ અપાઈ રહ્યો છે.
12 જૂનથી મંદિરના દ્વાર ઉઘડતા એક મહિના જેટલા સમયમાં માત્ર 70 હજાર શ્રદ્ધાળુઓએ જ માતાજીના દર્શનનો લાભ લીધો છે. જો મંદિરની દાન દક્ષિણાની આવકની વાત કરીએ તો ગત વર્ષ 2019માં એપ્રિલ, મેં, જૂન આ ત્રણ મહિનાની આવક 5.60 કરોડ જેટલી થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે આ સમયગાળા દરમિયાન માત્ર 60 લાખ રૂપિયાની જ દાન-ભેટની આવક થતા 5 કરોડ જેટલી ઓછી આવક નોંધવા પામી છે.
અંબાજી મંદિરમાં અંબાજી મંદિરને સુવર્ણમય બનાવાની ચાલી રહેલી કામગીરી માટે આ સમયગાળા દરમિયાન ગત વર્ષે મંદિરને 1.8 કરોડના સોનાની આવક નોંધાઇ હતી. તેની સામે ચાલુ વર્ષે લોકડાઉનના કારણે માત્ર સુવર્ણ શિખર માટે દાનભેટમાં માત્ર 12 લાખ રૂપિયા જ આવ્યા છે. લોકડાઉનની પરિસ્થિતિના કારણે વિદેશી નાણાંની આવક કોઈ જ આવક થવા પામી નથી. આમ 2020માં કોરોના મહામારીની ઇફેક્ટ માત્ર લોકોના સ્વાસ્થ ઉપર જ નહીં પણ ધાર્મિક સ્થાનો ઉપર પણ જોવા મળી છે.
મહત્વની બાબત તો એ રહી છે કે, મંદિરની આવકમાં ધરખમ ઘટાડો થવા છતાં કોઈ પણ કર્મચારીના પગાર અટક્યા નથી. જ્યારે આગામી ભાદરવી પૂનમનો મેળો 27 ઓગસ્ટથી શરૂ થનાર છે. પણ આ વખતે ભાદરવી મેળા ઉપર પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. છતાં ભાદરવી પૂનમનો મેળો ભરાશે કે કેમ તે બાબતનો નિણર્ય આગામી સમયની પરિસ્થિતિ જોઈને જ નક્કી કરાશે તેમ મનાઈ રહ્યું છે.