અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા પાંચ દિવસથી પ્રસાદ વિવાદ ચાલી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ એકાએક બંધ કરી દેવાતા ભાવિકોમાં રોષની લાગણી છે. આ મામલે અંબાજી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, હવે પ્રસાદ માટેની આ લડાઈમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજંરગદળ જેવી સંસ્થાઓ મેદાને ઊતરી છે. શનિવારે સવારે અંબાજી મંદિર પરિસર ખાતે જયશ્રી રામ અને જય જય અંબેની નારેબાજી કરીને ધરણા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Morbi Bridge Collapse: જયસુખ પટેલની સામે ચાર્જશીટ, સુરક્ષા તપાસ વગર જ બ્રીજ ખોલી દીધો
મોટો વિરોધઃ ઘણા વર્ષોથી અંબાજીમાં પ્રસાદ રૂપે મોહનથાળ આપવામાં આવે છે. પણ આ પ્રસાદ એકાએક બંધ કરી દેવાતા ભાવિકો નિરાશ થયા છે. જેને લઈને મામલો છેક વિરોધ પ્રદર્શન સુધી પહોંચી ગયો છે. અંબાજીની હિતરક્ષા સમિતી તરફથી અંબાજી બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે દરેક વેપારીઓએ પણ આ વાતને સમર્થન આપીને સ્વૈચ્છાએ પોતાની દુકાન બંધ રાખી છે. આમ વિરોધ નોંધાવી ફરી મોહનથાળનો પ્રસાદ ચાલું કરવા માટે સમિતીએ માંગ કરી છે.
રાજીનામા પડ્યાઃ અંબાજીમાં પ્રસાદ મામલે ભાજપ શહેર ઉપપ્રમુખ સહિત પાંચ વ્યક્તિઓએ રાજીનામા આપી દીધા હતા. આઠ દિવસ બાદ પણ કોઈ પ્રકારે નિર્ણય ન લેવાતા વિરોધ અને લડાઈ બન્ને વધી રહ્યા છે. અંબાજી ભાજપના યુવા અગ્રણી અને ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજભોગ મોહનથાળ પ્રસાદ અંગે પ્રજાની લાગણી અને માગણીને નકારી શકાય એમ નથી. આઠ દિવસ થયા હોવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારીએ કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી. આ તો કરોડો ભાવિકોને છેત્તરવાનું કામ થયું. આ માટે હું નારાજ છું અને રાજીનામું આપું છું.
આ પણ વાંચોઃ Hanuman Temple: એક એવું મંદિર જ્યાં હનુમાનજીની મુખાકૃતિ વાનર નહીં પણ મનુષ્યરૂપમાં છે, જાણો રોચક કથા
પ્રયાસ કરીએ છીએઃ આ કેસમાં બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ કિર્તિસિહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે, વાત એવી પણ જાણવા મળી હતી કે, તેઓ શહેર ઉપપ્રમુખ સુનીલ ભટ્ટના રાજીનામાથી અજાણ છે. ભાવિકો રાહ જોઈ રહ્યા છે કે, ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ થાય.