બનાસકાંઠા : અંબાજી મંદિરમાં પ્રસાદ રુપે મળતો મોહનથાળ વિવાદમાં આવ્યો છે. ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો. ત્યારે આ મોહનથાળના પ્રસાદ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ઘીના ડબ્બાના સેમ્પલ ફેલ થયા છે. આ ઘીનો ઉપયોગ પ્રસાદ માટે મોહનથાળ બનાવવામાં કર્યો છે. અંબાજી મંદિરના પ્રસાદમાં પણ ગોલમાલ થઈ હોવાની રાડ ઉઠી છે. જેથી ભક્તોની લાગણી દુભાણી છે.
ઘીના સેમ્પલ ફેલ : મળતી માહિતી અનુસાર 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ધામમાં મહામેળો યોજાવાનો હતો. જેમાં દર વખતની જેમ આ વખતે પણ મોટી માત્રામાં ભક્તો માટે પ્રસાદ બનાવવાનો હતો. જેથી તંત્ર દ્વારા પ્રસાદ માટેના ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી હતી. અંબાજીમાંથી ફૂડ વિભાગ દ્વારા તારીખ 26-08/-2023 ના રોજ મોહિની કેટર્સમાંથી પ્રસાદ બનાવવામાં ઉપયોગ થતા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
મેળા દરમિયાન જે પણ પ્રસાદ બનાવવામાં આવ્યો છે તે શુદ્ધ ચોખા ઘીનો બનાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં ફેલ થતાં મેળા દરમિયાન તે ઘીમાંથી કોઈ પ્રસાદ બનાવવામાં નથી આવ્યો. ઉપરાંત તે ઘીના 180 ડબ્બા સીલ કરી દેવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાલ ચાલુ કરી છે. -- વરુણ બરનવાલ (જિલ્લા કલેકટર, બનાસકાંઠા)
શુદ્ધ ઘી વાપર્યાનો દાવો : આ સેમ્પલ લેવાયા બાદ 15-0923 ના રોજ રિપોર્ટ આવ્યો હતો. તેમાં આ સેમ્પલ ફેલ થયા અને ડુપ્લીકેટ ઘી છે તેવું જણાઈ આવ્યું હતું. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઘીને સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ ઘીનો ઉપયોગ પ્રસાદમાં કરવામાં આવ્યો ન હતો. તેની જગ્યાએ એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરીમાંથી બનતું શુદ્ધ ઘી લાવવામાં આવ્યું હતું. તે ઘીમાંથી યાત્રાળુઓ માટે પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. માઈ ભક્તોને આ પ્રસાદ આપવામાં આવ્યો હતો.
કલેક્ટરે આપી માહિતી : આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે, માઁ અંબાના ધામમાં મેળા દરમિયાન જે પણ પ્રસાદ બનાવવામાં આવ્યો છે તે શુદ્ધ ચોખા ઘીનો બનાવવામાં આવ્યો છે. કારણ કે ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 28-08-2823 ના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એટલે કે મેળો યોજાય તે પહેલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેળો યોજાય તે પહેલા તેનો રિપોર્ટ આવ્યો હતો. તે રિપોર્ટમાં ફેલ થતાં મેળા દરમિયાન તે ઘીમાંથી કોઈ પ્રસાદ બનાવવામાં નથી આવ્યો. ઉપરાંત તે ઘીના 180 ડબ્બા સીલ કરી દેવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાલ ચાલુ કરી છે.