બનાસકાંઠાઃ જિલ્લામાં 390થી વધુ દર્દીઓ સિકલસેલ એનિમિયાના છે. 18 હજાર જેટલાં સિકલસેલ ટ્રેઇટ ધરાવતા વ્યક્તિઓ છે. જો એક વ્યક્તિ સિકલસેલ ટ્રેઇટ હોય અને તે સિકલસેલ ટ્રેઇટ મહિલા સાથે લગ્ન કરે તો આવનાર બાળક સિકસસેલ એનિમિયાવાળું પેદા થઇ શકે છે. આ રોગને આગળ વધતો અટકાવવા માટે જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકા સહિત જિલ્લામાં જ્યાં પણ આવા ટ્રેઇટ વ્યક્તિઓ છે, તેમને પીળા રંગના કાર્ડ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. અને જે લોકો નોર્મલ છે તેમને સફેદ રંગના કાર્ડ અપાયા છે.
સિકલસેલ પોઝિટિવ પીળા રંગના કાર્ડધારકો અન્ય પીળા રંગના કાર્ડધારક સાથે લગ્ન ન કરે તે પણ સમજાવવામાં આવે છે. રાજ્ય સરકારના સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ સિકલસેલના દર્દીઓની તપાસથી લઇને દવાઓ અને સારવાર સુધીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકારના ખાસ અભિયાન હેઠળ તેમની દેખરેખ અને સંભાળ પણ રાખવામાં આવતી હોય છે.
![રાજ્ય સરકારની સફળ કામગીરી, બનાસકાંઠા જિલ્લામાં એનિમિયા દર્દીઓને આપવામાં આવે છે તમામ સારવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7796469_855_7796469_1593263639104.png)
સગર્ભા બહેનોના તેમના સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સિક્લસેલ કાઉન્સેલરો દ્વારા ઘરની મુલાકાત લઇ તેમને સિક્લસેલ એનિમિયાની તપાસ માટે લઈ જવામાં આવ્યા. તપાસમાં તેઓ સિક્લસેલ એનિમિયા રોગથી પિડીત હોવાનું જાણવા મળતાં તેમની અને તેમના પરીવારના સભ્યોની પરિસ્થિતિ જાણી અને તેમના રિપોર્ટ વિશે તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પાંચેય સગર્ભા બહેનો સિકલસેલ પોઝિટિવ આવતા તેમના પતિઓનું પણ સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ અને પતિઓના પણ રિપોર્ટ પોઝિટિવ આવતા આ દંપત્તિઓના લોહીના સેમ્પલ લઇ ઇન્ડીયન રેડક્રોસ અમદાવાદ ખાતે ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
![રાજ્ય સરકારની સફળ કામગીરી, બનાસકાંઠા જિલ્લામાં એનિમિયા દર્દીઓને આપવામાં આવે છે તમામ સારવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7796469_1047_7796469_1593263614271.png)
આ પાંચ દંપત્તિઓ સિકલસેલ એનિમિયા ટ્રેઈટ આવતા તેમને રિપોર્ટ વિશેની જાણકારી આપવામાં આવી. સિક્લસેલ કાઉન્સેલર ચંદ્રિકાબેન પંચાલે આ પાંચેય દંપત્તિઓને તેમની અનૂકુળતા મુજબ સરકારી ગાડીમાં અમદાવાદ લઇ જઇ સચી વુમન્સ હોસ્પીટલમાં સોનોગ્રાફી કરવામાં આવી હતી. આ બહેનોના ગર્ભમાં રહેલા બાળકની ગાયનેકોલોજીસ્ટે તપાસ કરી કે તેમના ગર્ભમાં રહેલું બાળક સિકલસેલ છે કે કેમ જો ગર્ભમાં રહેલું બાળક સિક્લસેલનું દર્દી હોય તો તેને જન્મ આપી શકાય નહીં. પરંતુ સદનસીબે આ બહેનોના ગર્ભમાં રહેલા બાળકો તંદુરસ્ત હતું. આ દંપત્તિઓએ આરોગ્યના સ્ટાફના કહેવા પ્રમાણે તમામ રિપોર્ટ કરાવી સિકલસેલ દર્દીઓને જન્મ આપતાં અટકાવી આ રોગને આગળ વધતો અટકાવ્યો છે, નવી પહેલ કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે, તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા.એન.કે.ગર્ગે જણાવ્યું હતુ.
![રાજ્ય સરકારની સફળ કામગીરી, બનાસકાંઠા જિલ્લામાં એનિમિયા દર્દીઓને આપવામાં આવે છે તમામ સારવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-sarkar-ni-safal-kamgiri-gj10014_27062020174232_2706f_1593259952_516.jpg)
આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. પ્રત્યેક બાળક તંદુરસ્ત જન્મે તે માટે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ તેની ચિંતા રાજય સરકાર કરે છે, ત્યારે સિકલસેલ એનિમિયા નામના રોગને આગળ વધતો અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક સમાજે પણ સરકારને આ રીતે સાથ આપવો પડશે તો જ 100 ટકા સફળતા મેળવી આ રોગને જડમૂળથી નાબૂદ કરી શકાશે.