- થરાદ સચોર હાઇવે પર અકસ્માતનો સીલસીલો યથાવત
- બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત
બનાસકાંઠાઃ જિલ્લામાં થરાદ સચોર હાઇવે પર શનિવારના રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેલરે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી, તેમ એક પછી એક અનેક નાના-મોટા અકસ્માત બનાસકાંઠા જિલ્લામાં બની રહ્યા છે. આ અકસ્માત ક્યારેક મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત થરાદ-સાંચોર હાઇવે પર બન્યો હતો, જેમાં વાવના સુરેશભાઈ વેણ થરાદ સાચોર હાઇવે પર પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેલરે બાઇકને ટક્કર મારતા બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ બનાવની જાણ થરાદ પોલીસને થતા થરાદ પોલીસ ઘટનાસ્થળે આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.