બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવોમાં વધારો
દિયોદર શિહોરી રોડ પર ઇકો અને રિક્ષા વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 2 યુવકના મોત
બનાસકાંઠાઃ જિલ્લામાં અકસ્માત જાણે નજીવા બની ગયા હોય તેમ રોજબરોજ એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ હોમાઈ છે, ત્યારે ગત 4 મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
દિયોદર-શિહોરી રોડ પર અકસ્માત
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના વધતા જતા અકસ્માત વચ્ચે દિયોદર-શિહોરી રોડ વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ઇકો ગાડી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં શિહોરી તરફથી આવી રહેલી ઇકો ગાડીએ સામેથી આવતી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેથી રિક્ષામાં સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત સર્જાયા બાદ ઈકો ગાડીનો ડ્રાઈવર પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ભીખાજી ઈશ્વરજી ભાટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરતાં દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતક સંજય ઠાકોર અને રાજેશ ભાટી બન્ને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. ત્યારબાદ પોલીસે ફરાર ઇકોગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધતા જતા અકસ્માતથી લોકોમાં ભય
બનાસકાંઠા જિલ્લામાં રોજબરોજ વધતા જતા અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વારંવાર સર્જાતા આવા અકસ્માતોના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક માસૂમ લોકોએ પોતાની જિંદગી ખોવાનો વારો આવે છે, ત્યારે ગત 2-3 મહિનાથી વધતા જતા અકસ્માતોના કારણે હાલ બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.