બનાસકાંઠાઃ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. જિલ્લામાં એક પછી એક અનેક નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં છેલ્લા એક મહિનામાં અનેક લોકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવી છે. આ અકસ્માત ક્યારેક ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે થાય છે, તો ક્યારેક મોટા વાહનોના ઓવરટેક કરવાના ચક્કરમાં સર્જાતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માત સોમવારે બનાસ નદીના પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો.

ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલા શ્રી રામાબાપુ ગૌશાળાની ગાયો માટે માલગઢના કાંતિ ઉકાજી માળી સોમવારે બપોરે પોતાનું ટ્રેકટર લઇ દાંતીવાડા તાલુકાના ભાખર ખાતે ઘાસચારો લેવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન ડીસાની બનાસ નદીના પુલ પર પહોંચતા જ પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી ડ્રાઇવિંગ કરી ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેથી ટ્રેક્ટર અને ટ્રોલી અલગ થઈ જતાં ટ્રેક્ટર રોડ પર પલટી ખાઈ ગયું હતું.
આ અકસ્માતમાં શિવાભાઇ દેવાજી રબારી અને કાતિભાઇ ઉકાજી માળી ટેલરના ટાયર નીચે આવી જતા બંને લોકોના કમકમાટીભર્યા મોત નિપજયાં હતા. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઇ મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.