બનાસકાંઠાઃ ડીસાની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સોનુ રામરતન સોનીએ ગજબનું મશીન બનાવ્યુ છે. કોરોના વાઇરસને લઈ છેલ્લા ત્રણ મહિનાથી શાળાઓ બંધ હોવાના લીધે સોનું પોતાના ઘરે જ રહે છે. તેના આ નવરાસના સમયનો ઉપયોગ કરી આ મશીન બનાવ્યુ છે. આ મશીન લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
સોનુએ ટેક્નોલોજીની અને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી બનાવેલુ આ મશીન ગળામાં પહેર્યા બાદ તમારી એક મીટરના અંતરમાં કોઈ ઓબ્જેકટ આવે તો તમને તરત જ એલર્ટ કરે છે. આ મશીનનું નામ કોવિડ-19 સુરક્ષા કવચ આપ્યું છે.
જેમાં બે અલગ અલગ સેંસર્સ લગાવવામાં આવ્યા છે. આ સેંસર્સ સામાજિક અંતર બનાવી રાખવા માટે જે તે વ્યક્તિને માહિતી આપે છે. સોનુંનું માનવું છે કે કોરોના એક એવો વાઇરસ છે કે જેની સામે લડવું હવે લગભગ અશક્ય થઈ ગયું છે. ચાર-ચાર લોકડાઉન બાદ પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ત્યારે હવે કોરોના સામેની લડાઈ લડવાના બદલે કોરોના સામે રક્ષણ મેળવવું જરૂરી બની ગયું છે. હવે લોકોએ કોરોના સાથે જીવતા શીખવું પડશે અને પોતાની જાતે જ સુરક્ષિત રહેવા માટે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું પડશે..