- કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ
- 23 ડિસ્મબરે મૃતક ખેડૂતોને અપાશે શ્રદ્ધાંજલિ
- કોંગ્રેસ યોજશે સહી ઝુંબેશ
બનાસકાંઠાઃ આજે મંગળવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસે જિલ્લા લેવલે પત્રકાર પરિષદ યોજી ખેડૂતોને ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત આગામી સમયમાં ખેડૂતો માટે આ લડાઈ કેટલી આક્રમક બનશે તે અંગે પણ બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
નવા સુધારેલા કાયદાથી ખેડૂતો થશે પાયમાલ
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેશ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે, આ કાયદાથી ખેડૂત પાયમાલ થઈ જશે. જે કાયદાની માગ ખેડૂતોએ કરી જ નહોતી, તેવા કાળા કાયદા કોઈ પ્રકારની ચર્ચા કર્યા વિના ખેડૂતો પર થોપી દેવાયા છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા છે, તેમના પ્રત્યે કેન્દ્ર સરકારે કોઈ પ્રકારની સંવેદના દર્શાવી નથી.
ખેડૂતોના આંદોલનને સથવારે સત્તા સુધી પહોંચવા કોંગ્રેસની રાજકીય મથામણ
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપી પોતાની રાજકીય વૈતરણી પાર કરવા માંગતી કોંગ્રેસ હવે આવતીકાલે બુધવારથી બનાસકાંઠામાં અનેકવિધ કાર્યક્રમો કરશે. જે હેઠળ આવતીકાલે બુધવારે જિલ્લાના તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠક હેઠળ આવતા ગામોના મંદિરોમાં પ્રાર્થના સભા યોજશે. આ ઉપરાંત ગામે ગામ ખેડૂતો પાસે સહી ઝુંબેશ કરાવવાની યોજના પણ કોંગ્રેસે ઘડી કાઢી છે.