- બનાસકાંઠામાં માથાખોરોના વધી રહ્યો છે ત્રાસ
- 200 રૂપિયા જેવી નજીવી બાબતે કરવામાં આવી હત્યા
- પરિવારજનોએ કરી કડક સજાની માગ
બનાસકાંઠા: ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમકે માત્ર 200 રૂપિયાની નજીવી કિંમતમાં પાંચ લોકોએ એક શખ્સને માથાના ભાગે પાઈપ મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા કરવા માગ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે અને સૌથી વધુ ગુનાહિત ઘટનાઓનું પ્રમાણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં દિવસેને દિવસે હત્યા, આત્મહત્યા, ચોરી લૂંટ જેવી ગુનાહિત ઘટનાઓનુ પ્રમાણ વધી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં સૌથી વધુ આત્મહત્યા અને હત્યા જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા ગંભીર ગુનાહિત ગુનાને અંજામ આપતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં મોટાભાગના ગુનાહિત ગુનાઓ ઘટી શકે તેમ છે.
ડીસાના બેકરી કુવા વિસ્તારમાં 200 રૂપિયામાં હત્યાની ઘટના આવી સામે
ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં રહેતો અને આઇસર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો દશરથ ભાઈ માળીની જાહેરમાં હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. દશરથભાઈ માળી આઇસર ચલાવીને તેના પરિવારનું ગુજરાત ચલાવતો હતો અને ધુળેટીની રાત્રે કામ પરથી પરત ફરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા શૈલેષ ઠાકોર, ચંદુ ઠાકોર, તખાજી ઠાકોર અને રીન્કુ સોની નામના શખ્સે તેને રસ્તામાં રોકીને દારૂ પીવા માટે 200 રૂપિયાની માગણી કરી હતી ત્યારે દશરથભાઈ માળીએ 200 રૂપિયા આપવાની ના પાડી હતી. જેના કારણે આ પાંચે શખ્સોએ લોખંડની પાઇપથી દશરથભાઈ પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં દશરથભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે દશરથભાઈના પરિવારના સભ્યો પહોંચી ગયા હતા અને દશરથ મળીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દશરથ ભાઈ માળીની એક કલાક સુધી સારવાર ચાલુ રહ્યા બાદ દશરથભાઈ માળીએ દમ તોડી દીધો હતો તો આ તરફ દશરથભાઈની હત્યા કરનાર પાંચેય શખ્સો ફરાર થઈ ગયા છે.
આ પણ વાંચો : ડીસાના રાજપુર વિસ્તારના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
દશરથભાઈની હત્યા કરનાર આરોપીઓને કડક સજા કરવા પરિવારની માગ
દશરથભાઈ માળીના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને સંતાનમાં બે દીકરી અને એક પુત્ર છે. દશરથ ભાઈ માળીની હત્યાના પગલે તેના માસુમ સંતાનોએ પોતાની છત્રછાયા ગુમાવી દીધી છે જે ખૂબ જ દુઃખદ બાબત છે. જાહેરમાં ત્રણ સંતાનના પિતાની માત્ર 200 રૂપિયા માટે ખુલ્લેઆમ અસામાજિક તત્વો હત્યા કરી દેતા હોય ત્યારે અસામાજિક તત્વો પર પોલીસનો ભય કેટલો બચ્યો હોય તેવા અનેક સવાલો હાલ સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યા છે. તો આ તરફ દશરથભાઈના પરિવાર પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે દશરથભાઈની હત્યા કરવામાં આવી છે તે તમામ આરોપીઓને પોલીસ દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવે. જેથી આવનારા સમયમાં કોઈ બીજાના દીકરાની આવી હત્યા ન થાય.
આરોપીઓને કડક સજા થવી જોઇએ
આ અંગે મૃતકના ભાઇ નવીનભાઈ માળીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દશરથભાઈ જ્યારે પોતાનું કામકાજ પતાવી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ત્યાં ઊભેલા પાંચ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દશરથભાઈ ઘરે પહોંચ્યા હતા. પરિવારે તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ ત્યાં તેમનું મોત નીપજયું હતું ત્યારે તેમના પર હુમલો કરનાર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ અમારા પરિવારની છે.
આ પણ વાંચો : બનાસકાંઠાના થરાદની કેનાલમાં ડીસાના વેપારીનો ગળે ફાસો આપેલો અને હાથ બાંધેલો મૃતદેહ મળ્યો
વિસ્તારમાં માથાખોરોના ત્રાસ
આ અંગે મૃતકના મોટાભાઈની પત્નીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દશરથની જે પ્રમાણે આ વિસ્તારમાં રહેતા પાંચ લોકોએ હત્યા કરી છે તે તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ લોકોનો ત્રાસ હતો અનેકવાર તેમના વિરોધમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, ત્યારે ખરેખર આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં અમારા પરિવારનો સભ્ય તો ખોવાનો વારો આવ્યો છે, પરંતુ અન્ય લોકોએ આવી ઘટનાનો ભોગ બનવું પડે તે માટે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માગ છે.