બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રાજય સરકારના નિર્ણય મુજબ ગરીબી રેખા નીચે આવતા બનાસકાંઠા જિલ્લાના 4,16,270 કુટુંબોને રૂપિયા 1000 લેખે આશરે 41 કરોડ જેટલી માતબર રકમ તેમના ખાતામાં સીધી જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા તથા જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે બેઠકમાં પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીએ આરોગ્ય વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે લોકોને વીટામીન સીની ટેબ્લેટ અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરીએ.
આ ઉપરાંત લોકોને જીવનજરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળે, સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રાશન વિતરણ થાય, મનરેગા યોજનામાં રોજગારી આપવી, ગ્રામ્ય વિસ્તારમાં ઉધોગ ધંધા શરૂ કરવા, માર્કેટયાર્ડમાં આવતા ખેડુતો સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવા સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટર સંદીપ સાગલેએ કોરોનાને અનુલક્ષી જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર માહિતી આપી હતી.
કલેકટરએ કહ્યું હતું કે, લોકડાઉનના ચુસ્ત અમલવારી કરવામાં આવે છે. જિલ્લા અને રાજય બહારથી આવેલા લોકોને તપાસ કરી ક્વોરેન્ટાઇન અંગે પણ કામગીરી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે જરૂરતમંદ લોકોને રહેવા માટે શેલ્ટર હોમ્સ, જમવાની અને રાશનકીટ વિતરણ વગેરેની દાતાઓના સહયોગથી વિશાળપાયે કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય અને પોલીસ વિભાગ સહિત વહીવટીતંત્ર દ્વારા દિવસ રાત અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારો સુધી દરેક લોકો પર ઝીંણવટભરી વોચ રાખી આ બિમારીના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરી જરૂર જણાયે સેમ્પલ લઇ ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. વી. વાળા, પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, આરોગ્યના નોડલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.