ડીસાઃ નગરપાલિકાની યોજાયેલી આ સાધારણ સભામાં શહેરના વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. આજે યોજવામાં આવેલી ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં ડીસા શહેરમાં સોલર પ્લાન્ટ બનાવવા ઉપરાંત શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નર્મદાના પાણી અંગે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકાના તમામ સભ્યોની સહમતીથી ડીસા શહેરમાં આગામી સમયમાં આ બંને પ્રોજેકટ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ પ્રોજેકટની દરખાસ્ત સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આજના આ જનરલ બોર્ડમાં સંગીન મામલો પણ સ્થાનિક ધારાસભ્યએ બહાર લાવ્યો હતો. બગીચા પર ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ બગીચામાં જે પણ લોકોએ સરકારી નાણાંનો દૂરઉપયોગ કર્યો છે. તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આજની આ સાધારણમાં ફરી એકવાર શાસક પક્ષના સભ્યો જ પરસ્પર વિરોધ કરતાં નજરે પડ્યા હતા. અને શાસક પક્ષે જ વિપક્ષની ભૂમિકા ભજવી હોય તેવું જોવા મળ્યું હતું. પરંતુ આજે નાનાજી દેશમુખ ગાર્ડન અને લેટરપેડના મુદ્દે પૂર્વ પાલિકા પ્રમુખની મુશ્કેલીઓમાં આગામી સમયમાં ચોક્કસ વધારો થાય તો નવાઈ નહીં.