બનાસકાંઠા: ચડોતર ગામમાં સાડીઓ અને ડ્રેસની લાઇબ્રેરી આવેલી છે. ત્યાં અનેક મહિલાઓ આ લાઇબ્રેરી પર સાડીઓ અને ડ્રેસ લેવા માટે આવે છે અને ત્યારબાદ તેમનો અવસર પતાવીને ડ્રેસ કે સાડી વોશ કરીને પાછી આપી દે છે. તેથી તેમને કોઈ જાતનો ખર્ચ કરવો પડતો નથી. સામાન્ય રીતે મહિલાઓને કોઈપણ પ્રસંગ હોય તો સાડી કે ડ્રેસ લાવવાના હોય છે જેમાં તેઓને 500, 1000 કે 2,000 નો ખર્ચો થતો હોય છે ત્યારે જ્યારથી આ ગામમાં લાઇબ્રેરી બની છે ત્યારથી આ ગામની મહિલાઓ તેમજ આજુબાજુ ગામની મહિલાઓ તેમના લગ્ન પ્રસંગે સાડીઓના કે ડ્રેસના ખોટા ખર્ચા કરતા નથી. એ પૈસા તેમના રોજિંદા જીવનમાં વાપરવા માટે કામ આવે છે.
લાઇબ્રેરીની શરૂઆત: બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામના રીટાબેન ચૌહાણના લગ્ન થોડા વર્ષ પહેલાં બનાસકાંઠાના એક ગામમાં થયેલા હતા. પરંતુ નાની ઉંમરમાં જ તેમના પતિ દેવલોક પામ્યા અને રીટાબેન વિધવા થયા. સાસરિયામાં સાસુ સસરા સાથે અણ બનાવના કારણે તેઓ તેમના પિયર ચડોતર પાછા મમ્મી પપ્પા પાસે રહેવા આવી ગયા હતા. ત્યારે તેઓ ખૂબ જ ટેન્શનમાં રહેતા હતા અને તેમણે કંઈ સૂજતું ન હતું ત્યારે તેમને તેમના ગામમાં લોક મિત્ર તરીકે કામ કરતા ફારુકભાઈ મેમણે આ બેનને રસ્તો બતાવ્યો હતો કે એક સંસ્થા છે એની સાથે તમને હું કોન્ટેક કરાવું અને તમે એના થકી કંઈક કામ કરો જેથી મન કામમાં પરોવાય.
ફારુક ભાઈએ ચીંધી રાહ: ત્યારબાદ ફારુક ભાઈએ આ રીટાબેનને અમદાવાદની એક સંસ્થાનો કોન્ટેક કરાવ્યો અને એ કોન્ટેક્ટ દ્વારા તેમને શરૂઆતમાં થોડીક સાડીઓ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આ સાડીઓ જેને જરૂર હોય તેને આપજો અને પાછી વોશ કરીને લઈ લેવાની ત્યારબાદ તેમણે ધીરે ધીરે સાડીઓ જરૂર પ્રમાણે જે મહિલાઓને જોઈતી હોય તેમને આપવાની શરૂઆત કરી. આજે તેમની પાસે 200 થી 300 સાડીઓ છે જે તેઓ વિનામૂલ્ય મહિલાઓને પહેરવા માટે આપે છે અને જ્યારે તેમનો અવસર પતી જાય ત્યારે મહિલાઓ વોશ કરીને પ્રેસ કરીને પાછી અહીં જમા કરાવી જાય છે.
સાડીઓનો ખર્ચ બચ્યો: સાડી લેવા આવનાર મહિલાઓએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આમ તો અમે એક બે દિવસના અવસર માટે 1000 કે 2000ની સાડી ખરીદતા હતા અને ઘણીવાર તો અમારી પરિસ્થિતિના હોય તો અમે જેવા તેવા કપડા પહેરીને પણ અમારો અવસર પતાવી દેતા હતા. પરંતુ જ્યારથી અમારા ગામમાં રીટાબહેને સાડીઓની લાઈબ્રેરી શરૂઆત કરી છે. ત્યારથી અમે હવે કોઈ જગ્યાએ સાડીઓ લેવા જતા નથી. અમે અહીંથી નામ લખાવીને સાડીઓ લઈ જઈએ છીએ અને અમારો અવસર પતાવીને અહીં પાછી આપી દઈએ છીએ. જેથી અમારો ખર્ચ પણ બચી જાય છે અને સાડીમાં જે ખર્ચ થતો એ અમે અમારા ઘરમાં બચત તરીકે રાખી અથવા તો ઘરમાં બીજી ચીજવસ્તુ લાવવામાં એ રૂપિયાનો ઉપયોગ કરીએ છીએ.
માત્ર નામ લખીને આપે છે સાડીઓ: આ લાયબ્રેરીના સંચાલકો રીટાબેહેને ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાની ઉંમરમાં મારા લગ્ન થયા હતા અને ત્યારબાદ હું સાસરે ગઈ અને થોડા સમય પછી મારા પતિ દેવલોક પામ્યા હતા. ત્યારબાદ હું નિરાધાર બની ગઈ હતી અને પછી મને અમારા ગામના એક ફારુકભાઈ મળ્યા જે લોકમિત્ર છે. તેમણે મને માર્ગદર્શન આપ્યું અને સાડીઓ લાઇબ્રેરી બનાવવાનું નક્કી કરી આપ્યું. પછી મેં અમારા ગામમાં સાડીની લાઇબ્રેરી બનાવી અને પહેલા મારી પાસે પાંચ દસ સાડીઓ અને ડ્રેસ હતા. હાલ મારી પાસે 200થી ઉપર સાડી અને ડ્રેસ છે અને જેને જરૂર હોય તે મારી પાસે નામ મોબાઈલ નંબર અને ગામ લખાવી જાય છે અને સાડી લઈ જાય છે પછી તેઓ વોશ કરીને મને પાછી આપી દે છે એમાં અમે કોઈ ચાર્જ લેતા નથી.