- નવરાત્રીનો પ્રારંભ થતા અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો
- મંદિરમાં ભટ્ટ મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરાઈ
- જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેન ઉપસ્થિત રહ્યાં
- કોરોના મહામારી વચ્ચે પણ અંબાજી મંદિરને રાખવામાં આવ્યું છે ખૂલ્લું
બનાસકાંઠાઃ જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રદ્ધાળુઓ સેનેટાઈઝ ટર્નલમાંથી પસાર થતા જોવા મળ્યા હતા.
મંગળા આરતી બાદ ઘટ્ટ સ્થાપનની આરતી કરાઈ
નવરાત્રીને લઈ નિજ મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ વખત મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યાં હતા. ઘટ્ટ સ્થાપનમાં જવારા વાવવા માં આવ્યાં હતા અને મંગળા આરતી બાદ ઘટ્ટ સ્થાપનની આરતી પણ કરવામાં આવી હતી.
કોરોના મહામારી ન ફેલાઈ તે માટે ખાસ તકેદારી રખાઈ
જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ખૂલ્લું રાખવામાં આવ્યું છે. આ વખતે ચાચરચોકમાં ગરબાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે. આ સાથે યાત્રિકોમાં કોરોનાનું સક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.
બોક્સ પેકીંગમાં પ્રસાદનું કરાશે વિતરણ
જો કે, આ વખતે રાજ્યના અન્ય કેટલાક શક્તિપીઠ મંદિર બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. યાત્રિકો દર્શન કરી શાંતિની અનુભૂતિ કરી રહ્યા છે. ખાસ કરીને આ નવરાત્રી દરમિયાન યાત્રિકોને સરળતાથી પ્રસાદ મળી રહે તે માટે બોક્સ પેકીંગમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.