બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી લક્ષ્મી વિષ્ણુ આર્કેડના મિલકત ધારકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વેરો ભરવામાં નહીં આવતા પાલનપુર નગરપાલિકા દ્વારા તમામ મિલકતોને સીલ કરવામાં આવી હતી.
પાલનપુર નગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. જ્યાં ગુરૂવારે અમદાવાદ હાઈવે નજીક આવેલી 80 મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકત ધારકોએ કર વેરાના બાકી રૂપિયા નવ લાખ જમા ન કરાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.
પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકો પાલિકામાં મિલકત વેરો સમયસર ભરપાઈ કરતા ન હોય પાલિકા દ્વારા તેમની સામે લાલ આંખ કરવામાં આવી છે. આ અંગે સુત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ હાઈવે નજીક આવેલા વિષ્ણું આર્કેડના સંચાલકો લતાબેન અશોક કુમાર શેઠ અને અન્ય મિલકત ધારકોએ કર વેરાના રૂપિયા 9 લાખની ભરપાઈ ન કરતા, તેમની 80 મિલકતો સીલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં છેલ્લા એક માસમાં કુલ 150 મિલકતો સીલ કરી, રૂપિયા 45 લાખનો વેરો વસુલાયો છે. પાલનપુર નગરપાલિકાની આ કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.