બનાસકાંઠાઃ એક તરફ કોરોના વાઈરસની મહામારીથી લોકો કંટાળી ગયા છે. લોકો પાસે ધંધા-રોજગાર પણ ઓછા થઈ ગયા છે. ત્યારે આવા સમયે લોકોને સૌથી વધુ જરૂરિયાત ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોની હોય છે. વિશ્વમાં મંદીના કારણે બહારના દેશો દ્વારા ભારતમાં એક્સપોર્ટ થતા ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે અનેક લોકો ડીઝલ અને પેટ્રોલનું કાળા બજાર કરી પૈસા કમાઈ રહ્યા છે.
પોલીસને મળતી બાતમીના કારણે ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ડીઝલ અને પેટ્રોલના વેપારીઓ ઝડપાઈ રહ્યા છે.સરહદી રેન્જ ભુજના IG સુભાષ ત્રિવેદી, બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, નાયબ પોલીસ અધિક્ષક પી. એચ. ચૌધરીનાઓએ શિહોરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલ્કત સબંધી ગુનાઓ બની રહ્યા છે. ગુનાઓ બનતા અટકાવવા માટે ભીલડી પોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મુડેઠા ગામના ઓવરબ્રીજની નીચે આવતા અરણીવાડા તરફના રોડ તરફથી એક ફોર્ડ ફીગો ગાડી નંબર RJ-21-CA-8341 તથા એક ટ્રક નંબર RJ- 19- GF-1031ની જેમાં ટ્રકને જોતા તેને ઉભી રાખવી તલાશી લેવામાં આવી હતી.
તલાશી દરમિયાન આ બંને ગાડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલ ભરેલા 28 નંગ ડ્રમ જેની કુલ કીંમત રૂપિયા 4.67.636નો તથા સબર્મીસબલ મોટર પંપના અલગ અલગ નાના મોટી ઘાટના તથા સાઇઝના સ્પેર પાર્ટ્સ પણ મળી આવ્યા હતાં. જેની કિંમત રૂપિયા 4.64.000/- તથા અનાજ ભરવાના ખાલી બારદન નંગ 270 જેની કિ.રૂ.13500/-ના એમ કુલ અલગ અલગ બીલ વગરનો મુદ્દામાલ રૂપિયા 9,45.136નો મળી આવેલ અને ફોરવીલ ગાડી તથા ટ્રકમાં રામપ્રસાદ મદનલાલ શર્મા રહે-નાગોર,રાજસ્થાન સુધીર ઓમપ્રકાશ જોષી રહે..મુડવા, રાજસ્થાન, ફુલ્લારામ બંસીલાલ દોષી રહે-મુંડવા, રાજસ્થાન તથા મોલચંદ મોગીલાલ જોષી રહે-નાન્દીયા, રાજસ્થાન તથા ટ્રક નં-RJ-19-GF-1031 નો ચાલક નામે મહમ્મદરફીક મહમદઉંમર તૈલી રહે-તીવરી, રાજસ્થાન તથા સાથેના ક્લીનર, નરેન્દ્ર હનુમાનસિંહ રાજપુત રહે-ધનારી, રાજસ્થાનવાળાને ઝડપી પાડયા છે. હાલ ભીલડી પોલીસે આ તમામ મુદામાલ બીલ વગરનો હોવાથી મુદામાલનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.