બનાસકાંઠાઃ હાલમાં સમગ્ર જિલ્લામાં મેઘમહેર છે. જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત મકાન ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા છે.
પાલનપુર તાલુકાના ગઢ ખાતે ભારે વરસાદના પગલે જુનાચોરા વિસ્તારમાં રહેતા શેરુમીયાનુ મકાન ધરાશાયી થતાં અફરાતફરી સર્જાઈ હતી. આ ઉપરાંત ખોડીયારચોક ખાતે આવેલા રામાભાઈ ભુટકાના મકાનની દિવાલ ધરાશાયી થતાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, જ્યારે બીજી બાજુ ગ્રામપંચાયતને અડીને આવેલું મકાન પણ વરસાદના કારણે ધરાશાયી થતાં ઘરવખરી સહિત સામાનને પણ વ્યાપક નુકસાન થયું છે.
આ ઉપરાંત પટેલ હોસ્પિટલની સાઈડની દિવાલમાં મોટી તિરાડ પડતાં દિવાલ નીચેથી પાણી નિકળતાં મોટી માત્રામાં નુકસાન થયું છે, ત્યારે હોસ્પિટલ દ્વારા તાત્કાલીક ધોરણે દિવાલની સાઈડમાં માટી નાખવામાં આવી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી છે
મકાનો ધરાશાયી થવાના મામલે ગઢ ગ્રામપંચાયતને જાણ થતાં સરપંચ વસંત રાઠોડ, તલાટી ગીરીશ જેગોડા, તેમજ પંચાયતના સભ્ય માના પરમારે સ્થળ પર જઈને જરુરી કાગળો કરી સહાય માટેની તજવીજ હાથ ધરી હતી.