બનાસકાંઠા: અમદાવાદમાં B.com સુધીનો અભ્યાસ કરેલ 22 વર્ષીય પિંકીબેન નારણભાઇ ગેલોત તેમના ગુરુ ભરતભાઇ ભાટીની પ્રેરણાએ આ યુવતીનું જીવન બદલી નાખ્યું છે. પિંકીબેનમાં હવે આપણા ધર્મ અને દેશ માટે કંઈ કરી છૂટવાની તમન્ના જાગી છે. એ જ વાતને જીવનનો મંત્ર બનાવી તેને બાળકોને આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે જાગૃત કરવા માટેના ભગીરથ કાર્યની શરૂઆત કરી છે.
સનાતન ધર્મની નિઃશુલ્ક પાઠશાળા: આજના ટીવી અને મોબાઈલના આધુનિક યુગમાં લોકો પોતાના ધર્મ અને સંસ્કારોને ભૂલી રહ્યા છે. એક સમય હતો જ્યારે ઘરથી બહાર નીકળતો પુત્ર કે પુત્રી માતા પિતાને પગે લાગીને નીકળતા હતા. એવું અત્યારે ભાગ્યેજ જોવા મળે છે. અત્યારે ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. કરણ કે પરિવાર અને માતાપિતા પ્રત્યેની લાગણીનો અભાવ. ત્યારે બાળકો નાનપણથી જ આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ અંગે સાચી સમજણ કેળવે તેવા ઉમદા હેતુથી પીંકીબેન ગેલોતે હિન્દુઓની પાઠશાળા શરૂ કરી છે.તેમણે નિઃશુલ્ક જ્ઞાન વર્ગો શરૂ કર્યા છે.
નાના બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન: આ પિંકીબેન ગેલોતે અત્યારે ડીસામાં ત્રણ હનુમાન મંદિર ખાતે 100 જેટલા બાળકોને ધર્મનો અભ્યાસ કરાવે છે. એક કદમ સનાતન ધર્મ તરફ નામની આ પાઠશાળામાં 4 થી 17 વર્ષ સુધીના બાળકોને હનુમાન ચાલીસાના પાઠ, ઘરમાં વાણી, વર્તન અને વ્યવહારનું જ્ઞાન, માતા-પિતા ભાઈ બહેન સાથે લાગણી અને સન્માન,ભવિષ્યમાં ખોટા કૃત્યો સામે લડી શકે તે માટેના સક્ષમ વિચારો, શાસ્ત્રો અને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન અને ભાગવત ગીતા સહિતના શાસ્ત્રોનું ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
'આપણી ભારતીય સંસ્કૃતિ દિવસેને દિવસે ભુલાતી જઈ રહી છે અને આજકાલના બાળકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે જેથી આપણા બાળકોમાં સારા ગુણો છે નહીં અને તેઓ સારા ગુણો ન હોવાને કારણે ઘણી વાર ખોટા પગલા ભરે છે અને ખોટું કરી રહ્યા છે. ઘણીવાર આપણી દીકરીઓને આપણી સંસ્કૃતિનો ખ્યાલ ન હોવાને કારણે તેઓ લવ જે હાથમાં ફસાય છે અને છેલ્લે મરવાનો વારો આવે છે. એવું ન બને અને બાળકોમાં જાગૃતિ આવે તે માટે હું હિન્દુ ધર્મ વિશે બાળકોને જ્ઞાન આપું છું.' -પિન્કીબેન ગેલોત, સનાતન પાઠશાળા શરૂ કરનાર
બાળકોમાં ઉત્સાહ: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં વિદ્યાર્થી કર્મ ઠક્કરએ જણાવ્યું હતું કે વેકેશન ચાલતું હતું જેથી અમે ઘરે હતા અને મોબાઈલ વાપરતા હતા. અમને પિન્કીબેને અહીં મંદિરમાં બોલાવ્યા અને હિંદુ ધર્મ વિશે માહિતી આપવા લાગ્યા અને રોજ અમને નવું નવું શીખવાડે છે. કેટલા વાગે ઉઠવું?, કોની સાથે કઈ રીતે વ્યવહાર કરવો?, જેવી અનેક સારી સારી બાબતોનું માર્ગદર્શન આપે છે જેથી અમને મજા આવે છે.