બનાસકાંઠા: અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ એટલે મા અંબાનું ધામ. શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતું મા અંબાના ધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 23 સપ્ટેમ્બર થી તારીખ 29 સપ્ટેમ્બર સુધી મહા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માના દર્શન કરવા માટે દૂર દૂરથી પગપાળા યાત્રિકો પધારી રહ્યા છે. જેમાં મેળાના પહેલા દિવસે 2,75,450 બીજા દીવસે 4,68,286 ત્રીજા દિવસે 5,88,296 અને ચોથા દિવસે 7,02,300 માઈ ભક્તોએ માના દર્શન કર્યા આમ કુલ ચાર દિવસમાં 20,34,332માઈ ભક્તો પગપાળા ચાલી માના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે.
"હું 2012 થી ચાલતો પદયાત્રા મા અંબાના ધામમાં આવું છું. મને આજે પાંચમો દિવસ થયો છે. હું હવે ત્રિશુળિયા ઘાટ સુધી પહોંચ્યો છું. ખરેખર પગપાળા ચાલી એના કરતાં પણ મહાન ગણાય છે કે જે લોકો સેવા કરે છે. જે પદયાત્રી કો ચાલે છે તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે જે સ્વચ્છતાને લઈને જે કામ કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ સુંદર છે અને તંત્ર દ્વારા ખૂબ સારી સગવડો છે"-- (યાત્રિક)
28 જેટલી સમિતિની રચના કરાઈ: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે અંબાજી આવતા પદયાત્રીઓને જરૂરી તમામ સુવિધા સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે તંત્ર દ્વારા 28 સમિતિ બનાવવામાં આવી છે. જેમાં મેળા દરમિયાન સતત સુંદર સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા સમિતિ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને સલામતી કાયદો અને વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવી છે.
ધણી બધી સમિતિ: ઇમરજન્સી સારવાર સમિતિ, અંબાજી તરફના રસ્તાઓની મરામત માટે રસ્તા મરામત સમિતિના, મેળા દરમિયાન પાણીની સુવિધા પૂરી પાડવામાં પાણી પુરવઠા સમિતિ, સતત વીજ પુરવઠો જાળવવા વિધુત પ્રવાહ સમિતિ, દૂધ વિતરણ વ્યવસ્થા માટે દૂધ અને ખાદ્ય વિતરણ તથા ચકાસણી સમિતિ, વાહન વ્યવહારને લગતા જાહેરનામાના અમલ માટે અંબાજી તરફના પ્રવેશ માર્ગ પરના નિયંત્રણ અને પાર્કિંગ સમિતિ, હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુ આવા સમિતિ, ગબ્બર ઉપર સંચાલન સમિતિ, 51 શક્તિપીઠ અને લાઈટ એન્ડ સાઉન્ડ સમિતિ, રખડતા ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ આ ઉપરાંત પણ ઘણી બધી સમિતિ બનાવવામાં આવી છે.
મીની મહાકુંભ મેળો: અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમકુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ સુખ-સંતોષ રૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.