- ગત વર્ષે બટાકામાં હતી તેજી આ વર્ષે ભારે મંદી
- વધુ ઉત્પાદન થવાથી આ વર્ષે ભાવ તળિયે
- સરકાર ટેકાના ભાવ જાહેર કરે તેવી ખેડૂતોની માગ
- મંદી વચ્ચે જિલ્લાના 20 ટકા ખેડૂતો કોન્ટ્રાકટર ફાર્મિંગથી ખેતી કરી વધુ ભાવ મેળવ્યાં
બનાસકાંઠાઃ જિલ્લો એ બટેકાનું હબ ગણાય છે. બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વિશાળ હોવાની સાથે સાથે અહીં વસ્તી પણ વધુ છે, પરંતુ અહીં દૂધની ડેરી સિવાય અન્ય કોઈ ઉદ્યોગ ધંધા નહીં હોવાથી જિલ્લામાં ખેતી જ મુખ્ય વ્યવસાય છે. ખેડૂતો ફુવારા પદ્ધતિથી બટાકા, મગફળી, દાડમ, રાયડો, એરંડા વગેરે જેવા પાકોની ખેતી કરે છે. તેમાં પણ બટાકાની મોટાપ્રમાણમાં ખેતી ખેડૂતો કરે છે.
જિલ્લાના કુલ 60 હજાર હેકટર વિસ્તારમાં બટાકાની ખેતી કરાઈ
ગત વર્ષે બટાકાનું ઉત્પાદન ઓછું રહ્યું હોવાથી ખેડૂતોને ખૂબ સારા ભાવો મળ્યાં હતાં, જેથી ખેડૂતોએ આ વર્ષે 50 કિલોની એક બેગના રૂપિયા 2200ના ભાવે મોંઘું બિયારણ લાવી બટાકાની ખેતી કરી હતી. જિલ્લાના કુલ 60 હજાર હેકટર વિસ્તારમાં બટાકાની ખેતી થઈ છે. જેમાં એક એકર દીઠ જોઈએ તો, ખેડૂતોને 75 હજારનું ખર્ચ થયું હતું, પરંતુ આ વર્ષે પ્રતિ મણ ભાવ માત્ર રૂપિયા 80થી 100 જ હોવાથી 75 હજારના ખર્ચ સામે ખેડૂતને માત્ર 30 હજારની જ આવક થઈ રહી છે. જેને લીધે ખેડૂત હાલ બટાકા કોલ્ડસ્ટોરેજોમાં રાખવા લાગ્યા છે, જોકે, જિલ્લામાં આવેલા કુલ 202 કોલ્ડસ્ટોરેજોની કેપેસિટી પણ ફૂલ થઈ જતાં બટાકા ખેતરોમાં જ પડ્યા પડ્યા બગડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ધીરે ધીરે ગરમીનું પ્રમાણ વધશે તેથી ખેતરમાં પડેલાં આ બટાકા પણ ખરાબ થઈ જશે, તેથી ખેડૂતની મુશ્કેલીઓ આ વર્ષે વધી ગઈ છે.
આ પણ વાંચોઃ બટાકા નગરી ડીસામાં બટાકાની પુષ્કળ આવક, કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ ભરાયા
ટેકાના ભાવ જાહેર નહી થાય ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે: ખેડૂત
આ મુદ્દે લલિતભાઈ માળી નામના ખેડૂતે જણાવ્યું હતું કે, જો સરકાર તવરીતપણે બટાકાના ટેકાના ભાવ જાહેર નહી કરે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે.
બટાકામાં ભયંકર મંદી વચ્ચે 20 ટકા ખેડૂતોને મળ્યાં બટાકાના બજારભાવથી પણ ડબલ ભાવ
આવી ભયંકર મંદીમાં પણ જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો કોન્ટ્રાકટ ફાર્મિંગથી બટાકાની ખેતી કરી એક સીઝનમાં જ લાખો રૂપિયાનો નફો પ્રાપ્ત કરી રહ્યાં છે. જિલ્લામાં બટાકાનું 60 હજાર હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું, તેમાંથી 20 ટકા જેટલું વાવેતર ખેડૂતોએ કોન્ટ્રાકટ ફાર્મિંગથી કર્યું હોવાથી ખેડૂતોને ભાવો બજાર કરતા પણ ડબલ મળી રહ્યાં છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત ઇસ્માઇલ શેરુએ બટાકાના ભાવ દર વર્ષે ઉપર-નીચે રહેતાં હોવાથી તેઓ પોટેટો ચિપ્સ બનાવતી કમ્પનીઓ સાથે કોન્ટ્રાકટ કરી બટાકાની ખેતી કરે છે, જેને લીધે આજે તેઓએ 21 ટન બટાકાનું ઉત્પાદન મેળવી પ્રતિ એકર રૂપિયા 1 લાખ 20 હજારનો ચોખ્ખો નફો એટલે કુલ 40 એકરમાંથી અંદાજિત 48 લાખ રૂપિયા જેટલો મસમોટો નફો તેઓ પ્રાપ્ત કરી રહ્યાં છે. જિલ્લામાં ઇસ્માઇલભાઈ જેવા 20 ટકા ખેડૂતો છે, કે જેઓ આ પ્રકારે ખેતી કરી બજારમાં ચાલતાં 80થી 100 રૂપિયા પ્રતિમણને બદલે 220 રૂપિયા જેટલો ઊંચો ભાવ લઈ આવી ભયંકર મંદીમાં પણ સમૃદ્ધ બન્યાં છે.
આ પણ વાંચોઃ બટાકાના ઉત્પાદનનું હબ વિજાપુરમાં ખેડૂતોને ભાવ ન મળતા નિરાશ
શું છે આ કોન્ટ્રાકટ ફાર્મિંગ?
કોન્ટ્રાકટ ફાર્મિંગનો સીધો અર્થ કરાર આધારિત ખેતી થાય છે. જેમાં બટાકા વેફર્સ તેમજ બટાકાની અન્ય વેરાયટીઓ બનાવતી કમ્પનીઓ ખેડૂતોના ખેતરમાં જઈ ઉત્પાદન પહેલાં જ માલનો ભાવ નિર્ધારિત કરી આપે છે. જેને સરળ ભાષામાં સમજી એતો,ખેડૂત બટાકાનું વાવેતર કરે તે પહેલાં જ તેના ભાવ નક્કી કરી જેટલા પણ બટાકા ઉત્પાદિત થાય તેટલો માલ કંમ્પની અગાઉ નિર્ધારિત કરેલા ભાવથી ખરીદી લે છે. જેમાં કંમ્પનીએ બટાકાની ગુણવત્તા અને સાઈઝ પહેલાંથી જ નક્કી કરેલી હોય છે, ખેડૂતે તે ગુણવતા અને સાઈઝના જ બટાકા ઉગાડવા પડે છે, પરંતુ જો કોઈ વખતે થોડોક માલ ખરાબ આવી જાય તો કમ્પની તેટલો માલ પરત મોકલે છે, ખેડૂત તે માલનું પણ ગ્રીડિંગ કરી ફરીથી કંમ્પનીને આપી શકે છે. આ પ્રકારની ખેતીમાં જવલ્લે જ નુકસાન આવતું હોય છે.
ફુવારા અને સૂક્ષ્મ પિયત પદ્ધતિથી વર્ષે 60 લાખનો નફો કમાય છે ઇસ્માઇલભાઈ
ઇસ્માઇલભાઈ તમામ પ્રકારની બાગાયતી ખેતી કરે છે, તેઓ આધુનિક પદ્ધતિથી સૂક્ષ્મ અને ફુવારા પદ્ધતિથી ખેતી કરી બટાકામાં તેઓ એક એકરમાંથી સર્વાધિક ઉત્પાદન કરી રહ્યા છે, તેમજ પોતાના બટાકાને તેઓ સીધા જ મોટી મોટી કંમ્પનીઓને વેચી વચેટિયાઓ વિના જ લાખો રૂપિયાનો નફો કમાઇ રહ્યા છે. તેઓ ઉચ્ચ ક્વોલિટીના બટાકા તેમજ એક-એક બટાકું બે- બે કિલો વજનનું ઉત્પાદિત કરી રહ્યા છે, આ ઉપરાંત પપૈયાં, તરબૂચ સહિત તમામ બાગાયતી પાકોમાંથી દર વર્ષે કુલ 60 લાખ રૂપિયા સુધીનો નફો પ્રાપ્ત કરી રહ્યા છે, તેમની આ સિદ્ધિમાં તેમને સરકાર તરફથી કૃષિ સાધનો ખરીદવા માટે દર વખતે સબસીડી સ્વરૂપે સહાય મળતી રહે છે.
અન્ય ખેડૂતોને પણ આધુનિક ખેતી માટે આપે છે માર્ગદર્શન
ઇસ્માઇલભાઈએ પોતાના જેવા પ્રગતિશીલ ખેડૂતો સાથે મળી અન્ય નાના ખેડૂતોને ટ્રેનિંગ આપી તેમને સમૃધ્ધ કરવાનું બીડું ઝડપ્યું છે, ત્રણ લાખ ખેડૂતોને તાલીમ આપવાની સાથે સહિયારી ખેતીના કોન્સેપટથી અનેક ખેડૂતોને તેઓ આગળ વધારી રહ્યા છે, જે ખેડૂતો જૂની પરંપરાગત ખેતીથી દેવાદાર બન્યા છે, તેવા ખેડૂતોને તેઓ કઈ રીતે ખેતીમાં ખર્ચ ઘટાડી ખેતીને નફાકારક બનાવી શકાય તેવી ટ્રેનિંગ આપે છે. આ અંગે ભેમા ડામોરે જણાવ્યું હતું કે, પહેલાં તેમને ખેતીમાં ખૂબ નુકસાન જતું હતું, પરંતુ ઇસ્માઇલભાઈએ ખેતીમાં ખર્ચ ઘટાડી કઈ રીતે સમૃદ્ધ થવાય તે અંગે સમજાવતાં હવે હું વર્ષે 4 લાખ રૂપિયા જેટલો નફો કમાઈ લઉં છું. જિલ્લાના ખેડૂતોને એક તરફ બટાકાને લીધે રોવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ કેટલાંક ખેડૂતો આયોજનપૂર્વકની ખેતીથી સારા ભાવ મેળવવા સફળ રહ્યાં છે, ત્યારે સરકાર વિકટ સ્થિતિનો ભોગ બનેલા ખેડૂતોની વ્હારે આવી બટાકામાં ટેકાના ભાવ જાહેર કરે તવી માગ ખેડૂતો કરી રહ્યા છે.