બનાસકાંઠા: હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોમાં દિવસેને દિવસે કોરોના વાઇરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે ગુજરાતભરમાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસની મહમારીમાં લોકોને સારી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી, પરંતુ આ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા હવે સ્થાનિક હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવી છે.
આ અગાઉ ગુજરાતમાં સુરત ખાતે પ્રથમ જનતા હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જ્યાં કોરોના વાઇરસના દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા અને પાલનપુરમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કારણે વહીવટી તંત્ર દ્વારા ડીસા ભણસાલી હોસ્પિટલ અને પાલનપુર બનાસ કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કેસોના કારણે ગુજરાત સરકાર દ્વારા અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોરોના હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં રોજના 50 થી પણ વધુ કોરોના વાઇરસના કેસો સામે આવતા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા જનતા હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં કોરોના વાઇરસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે તેમ છે. ડીસા ખાતે શરૂ થયેલી જનતા હોસ્પિટલમાં તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.
આ હોસ્પિટલમાં 65 સાદા રૂમ અને 50 આઈસોલેશન રૂમ એમ કુલ 115 રૂમની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતની ખ્યાતનામ સિંગર કિંજલ દવે, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલે, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહિત જિલ્લામાંથી અનેક ભાજપના કાર્યકર્તાઓ અને વહીવટી તંત્ર હાજર રહી હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી. ડીસા ખાતે કોરોના વાઇરસના દર્દીઓ માટે આજથી શરૂ થયેલી જનતા હોસ્પિટલના કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ સિંગર કિંજલ દવે પણ હાજર રહી હતી.
આજના પ્રસંગે કિંજલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે પ્રમાણે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેને રોકવા માટે લોકોએ જાતે જાગૃત થવું પડશે અને લોકોએ ફરજિયાત માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ પોતાનું રક્ષણ કરવું પડશે. તો બીજી તરફ જનતા હોસ્પિટલમાં આજથી નિઃશુલ્ક કોરોના વાઇરસના દર્દીઓને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવતા ડીસા વાસીઓ તેમજ આજુબાજુના અનેક વિસ્તારોના ગરીબ દર્દીઓને સારી સારવાર પણ મળી રહેશે. જેના કારણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે મોટા ખર્ચે લોકોને સારવાર માટે કરવો પડતો હતો તેનાથી રાહત મળી રહેશે.