- બનાસકાંઠાના દિયોદરમાં ચોરીની ઘટનામાં વધારો
- સ્થાનિકો ઘરને બંધ રાખી બહાર જતા પણ હવે ગભરાય છે
- ચોરોએ મકાન, મંદિર, સરકારી દૂધ મંડળીને બનાવ્યા નિશાન
- ચોરોને તાત્કાલિક ધોરણે પકડી તેમને સજા કરવા સ્થાનિકોની માગ
- દિયોદરના ધારાસભ્ય શિવા ભૂરિયા વિધાનસભામાં આ અંગે કરશે રજૂઆત
બનાસકાંઠાઃ જિલ્લામાં વધતી ચોરીની ઘટના અંગે હાલમાં સૌથી વધુ ચોરીની ઘટના દિયોદરમાં સામે આવી છે. જિલ્લાના દિયોદર તાલુકામાં એક જ મહિનામાં 10થી પણ વધુ ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. દિયોદરમાં એક મહિનામાં મકાન, મંદિર અને સરકારી દૂધ મંડળીઓમાં પણ ચોરીની સામે આવી રહી છે.
દિયોદરમાં ચોરીની ઘટના વધતા લોકો ઘર બંધ કરીને બહાર જતા પણ ડરી રહ્યા છે. આવામાં વેપારી સંગઠનો અને જાગૃત નાગરિકોએ આ મામલે પોલીસને રજૂઆત કરી છે. તેમ છતાં પણ ચોરીનો સિલસિલો અટકતો નથી. આથી હવે સ્થાનિક ધારાસભ્ય શિવા ભૂરિયા પણ અકળાયા છે. ધારાસભ્ય શિવા ભૂરિયાએ ચોરી મામલે જિલ્લા પોલીસ વડા પણ ફોન કરીને આ મામલે ચર્ચા કરી છે. તેમજ તાત્કાલિક ધોરણે બંધ મકાનો અને દુકાનો નિશાન બનાવતા તસ્કરોને પકડી લઈ કડક કાર્યવાહી નહીં થાય તો માર્ચ મહિનામાં અંદર વિધાનસભા સત્રમાં પણ તેઓ ઉચ્ચસ્તરીય તપાસ માટે ધારદાર રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારી દીધું છે. જ્યારે આ ચોર ટોળકીને ઝડપથી પકડવામાં આવે અને તેમને સજા થાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.