બનાસકાંઠા: બિપરજોય વાવઝોડાની અસરથી થયેલા પવન સાથેના વરસાદમાં ગૌશાળાની 10 ગાયોના કરૂણ મોત થયા હતા. ગૌશાળાનો શેડ ધરાશાયી થતા સમગ્ર ઘટના બનાવ પાણી હતી. ગઈકાલ સાંજથી જ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો આજે પણ યથાવત છે. વારસાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું.
'હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ મોડી રાતથી બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સરહદી વિસ્તાર નડાબેટમાં પણ રણ હોવાને કારણે ખૂબ ભારે પવન ફૂંકાયો છે જેના કારણે અનેક વૃક્ષો અને શેડ ધરાશાયી થયા છે. રાત્રે આ ગૌશાળામાં શેડના પતરા ઉડ્યા હતા અને જેના કારણે દસ જેટલી ગાયોના મોત થયા છે. સરકાર દ્વારા સત્વરે સર્વ કરી લોકોને યોગ્ય સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે.' -ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય, વાવ
સમુદ્ર રણનું નિર્માણ: વરસાદે સૂકાભટ્ટ નડાબેટ રણને સમુદ્ર રણમાં ફેરવી દીધું છે. ભારત-પાકિસ્તાન બોર્ડરે આવેલું નડાબેટ રણ હંમેશ માટે કોરું ધાકોર રહેતું હોય છે અને અહીં એક ગ્લાસ પાણી લાવવું પણ મુશ્કેલ બનતું હોય છે. પરંતુ વરસાદે તાસવીર બદલી નાખી છે અને રણમાં પાણી ભરી દેતા સમુદ્ર જેવા મોજા જોવા મળ્યા હતા.
નડેશ્વરી માતાનું મંદિર બંધ: ભારત-પાકિસ્તાનની બોર્ડર પર મા નડેશ્વરેનું મંદિર પણ આવેલું છે. મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. સહેલાણીઓ રણમાં દરિયા જેવો માહોલ જોઈને ખુશ થયા છે. જોકે મંદિરના તંત્ર દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને આગામી ત્રણ દિવસ સુધી નડેશ્વરી માતાનું મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.