- અરવલ્લીના માલપુર ટીસ્કી નજીક અકસ્માત
- રાજસ્થાનના બે કોર્પોરેટર ઈજાગ્રસ્ત
- કોર્પોરેટરો કારમાં સુરત જવા નીકળ્યા
અરવલ્લી : જિલ્લાના માલપુર તાલુકાના ટીસ્કી ગામ નજીક રાજસ્થાનના રાજસમંદ જિલ્લાની દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટરો અને અન્ય બે વ્યક્તિઓ કારમાં પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન તેમની કાર પલ્ટી જતા કોર્પોરેટર રાજેશ મેવાડા અને કોર્પોરેટર હંસરાજ કંસારા ઇજાગ્રસ્ત થયા હતા. આ બન્ને કોર્પોરેટરો કારમાં સુરત જવા નીકળ્યા હતા. ત્યારે મોડાસા-ગોધરા હાઈવે પર ટીસ્કી ગામ નજીક કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા, કાર બે ત્રણ પલટીને રોડની બાજુમાં આવેલા ખેતરમાં ખાબકી હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મોટા આવાજ સાથે કાર ખાબકતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કારમાંથી સ્થાનિકોએ 4 લોકોને બહાર કાઢ્યા હતા.
ઇજાગ્રસ્તોને મોડાસાની યુનિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
બન્ને કોર્પોરેટરને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે મોડાસાની યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને સામન્ય ઇજાઓ થઇ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.