- અરવલ્લીના માલપુર નજીક અકસ્માત
- સાબરકાંઠાના જાદર ગામના બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
- અકસ્માત એટલો ભયંકર હતો કે કારના બે ટુકડા થયા
અરવલ્લીઃ જિલ્લામાં રવિવારે વહેલી સવારે માલપુર નગર નજીક ચોરીવાડ ચોકડી પાસે શામળાજી-ગોધરા હાઈવે પર સાબરકાંઠા જિલ્લાના જાદર ગામના જગદીશ પટેલ તેમના ખેતરના ભાગીયા રામભાઈ સાથે લુણાવાડા તરફથી કાર લઈ મોડાસા તરફ આવી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમની કારનું ટાયર ફાટ્યુ હતું. જેના પગલે કાર ચાલક જગદીશ પટેલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ જઈ અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના બે ટુકડા થઇ ગયા હતા. જ્યારે કાર ચાલક જગદીશ પટેલ અને તેમના ભાગીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
સામેવાળા કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ
બીજી બાજુ સામેવાળા કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ માલપુર પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.