- શામળપુરના રહેવાસી કડવા ગામેતીનું ઇલેકટ્રીક કરંટ આપી મોત નિપજાવ્યું હતું
- મૃતકને વિધી કરવાના બહાને જબરજસ્તી ગાડીમાં બેસડ્યો હતો
- ચાલુ વાયરથી ઇલેટ્રીક શોક આપી મોત નિપજાવ્યું
અરવલ્લીઃ એક માસ અગાઉ અરવલ્લી જિલ્લાના ભિલોડા શામળપુરના રહેવાસી કડવા ગામેતીનું 6 વ્યક્તિઓ દ્રારા માર મારી તેમજ ઇલેકટ્રીક કરંટ આપી મોત નિપજાવતા ચકચાર મચી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે નોંધાયેલ ફરીયાદ મુજબ શામળપુરના રહેવાસી કડવા ગામેતીને વિધી કરવના બહાને 6 ઇસમો ગાડીમાં જબરજસ્તી બેસાડી ડોડીસરા ગામે લાવ્યા હતા. જ્યાં મૃતકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો, તેમજ સ્વીચ બોર્ડના ચાલુ વાયરથી ઇલેટ્રીકશોક આપી મોત નિપજાવ્યુ હતું. મૃતકના પરિવારને ઘટનાની જાણ થતા તેમના માથે જાણે આભ ફાટ્યુ હતું.
મુખ્ય આરોપીની બે પત્નીઓ સહિત ચાર આરોપીઓ ઝડપાયા
મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે 6 હત્યારાઓ સામે ગુન્હો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. અરવલ્લી પોલીસે હત્યાના ગુન્હામાં સુકા ડુંડની બે પત્નીઓની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ વાહન કબ્જે લીધા હતા. એક મહિના બાદ બુટલગરના અંગત અને ખાસ સાગરીત એવા હત્યામાં સંડોવાયેલ બહાદુર ઉર્ફે રામપ્રકાશ ડુંડને અમદાવાદના જેતલસર વિસ્તારમાંથી બહેનના ઘેરથી પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડ્યો હતો, તો બીજી તરફ ભિલોડા પોલીસે ગુન્હામાં સામેલ પરેશ ઉર્ફે પરો રામજી ડુંડ જેશીંગપુર ગામે આવ્યો હોવાની બાતમી મળતા દબોચી લીધો હતો.
મુખ્ય આરોપી પોલીસની પકડથી દુર
ભિલોડા પોલીસે ગુન્હામાં સામેલ કુખ્યાત બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી પાડાવા ગતીવીધી તેજ કરી છે. અનેક જગ્યાએ છાપો મારવાની સાથે ડોડીસરા અને સમગ્ર વિસ્તારમાં દિવસે અને રાત્રીના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે. પોલીસે રાજ્યની બહાર રાજસ્થાનમાં પણ તપાસ હાથ ધરી છે, છતા સૂકો ડુંડ પકડથી દૂર છે.