- અરવલ્લીના મોડાસામાં લોકોએ પાળ્યું સ્વૈચ્છીક લોકડાઉન
- વેપારીઓ મંડળ દ્વારા 5 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
- પોલીસ અને પાલિકા તંત્રની મદદથી કરવામાં આવ્યું લોકડાઉન
અરવલ્લી: જિલ્લાના મોડાસામાં વેપારી મંડળોના આહવાના પગલે બજારો સંપુર્ણ બંધ રાખવામાં આવ્યા હતા. મંગળવારના રોજ વિવિધ વેપારી મંડળો, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એ સંયુકત બેઠક પાંચ દિવસ સુધી લોકડાઉન કરવાનું જાહેર કર્યુ હતું જેના પગલે બુધવાર રોજ તમામ દુકાનો બંધ જોવા મળી હતી.
બે વાર લોકડાઉન રહ્યું નિષ્ફળ
કોરોના વાઇરસની ચેન તોડવા માટે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં છેલ્લા એક માસથી સ્વૈચ્છીક લોકડાઉન કરાવવાનો પ્રયાસ કરાવવામાં આવી રહ્યો હતો. જોકે બે વાર સંપુર્ણ લોક ડાઉન કરાવવામાં નિષ્ફળ રહ્યા બાદ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને સાથે રાખીને લોક ડાઉન સફળ બનાવા અરવલ્લી ચેમ્બર ઓફ કોમર્સ સક્રિય થયુ હતું . અરવલ્લી ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ, જિલ્લાના DYSPની ઉપસ્થિતિમાં, મોડાસાના તમામ વેપારી મંડળોની બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મોડાસા, સબલપુર, ખલીકપુર વિસ્તારોમાં બુધવારથી રવિવાર સુધી તમામ ધંધા રોજગાર બંધ રાખી સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. જેના પગલે બુધવાર ના રોજ તમામ દુકાનો બંધ જોવા મળી હતી. લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર, જિલ્લા વહિવટી તંત્ર અને મોડાસા નગરપાલિકા તંત્ર એ ભારે જહેમત ઉઠાવી દુકાનો તથા ધંધાના એકમો બંધ રહે તે સુનિશ્વિત કર્યુ હતું.
આ પણ વાંચો : મોડાસામાં કોવિડ હોસ્પિટલનો માર્ગ સેનિટાઈઝ કરાયો
આવશ્યક સેવા યથાવત્
આવશ્યક ચીજ વસ્તુઓ તેમજ દવા ની દુકાનો ખુલ્લી રખવાની છુટ આપવામાં આવી છે.આ ઉપરાંત સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી તેમજ સાંજે ૫ થી ૭.૩૦ સુધી શાકભાજી અને ફુટ ની રેકડીવાળાઓને પરવાનગી આપવામાં આવી છે.