અરવલ્લી: વડોદરાના 39 વર્ષીય શિક્ષક યોગેન શાહ ચાલી શકતા નહોતા. જેથી તેમણે નૌસર્ગિક જીવનશૈલી સાથે જીવવાનું શરૂ કર્યું હતું. આજે આ વ્યક્તિ 1,500 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે.
વડોદરાના આ વ્યક્તિ 10-12 વર્ષથી સંધિવા રોગથી પીડાતા હતા. દવા લીધા વિના તેમનો એક પણ દિવસ વિત્યો નહોતો. રોગના કારણે યોગેન શાહનું જીવન કષ્ટમય બની ગયું હતુ. એલોપેથી દવાઓ પણ તેમના પર અસર નહોતી કરતી. જેથી તેમણે જીવનશૈલી બદલવાનું નક્કી કર્યું હતું.
યોગેન શાહનું માનવુ છે કે, માનવીની તંદુરસ્તી તેમના આહાર પર નિર્ભર છે. જેથી તેમણે રાંધેલા ભોજનનો ત્યાગ કર્યો અને માત્ર કાચા શાકભાજી, ફળ, સુકા મેવા પર નિર્ભર રહેવાનુ શરૂ કર્યું હતું. જેનાથી તેમના શરીરમાં આમુલ પરિવર્તન આવ્યું. આ પરિવર્તનના કારણે આજે તે સ્વસ્થ જ નહીં, પરંતુ સ્ફૂર્તિવાન અને કાર્યશીલ બન્યા છે.
યોગેન શાહને આજની તારીખમાં ઘણા બધા લોકો મળવા આવે છે. આ તમામ લોકોને માત્ર એક જ પ્રશ્ન હોય છે કે, રાંધેલુ ભોજન નહીં લેવાથી કેવી રીતે ચાલે? જેથી આ તમામ લોકોને જવાબ આપવા માટે આ શિક્ષકે પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો છે.
તેમણે 15 જૂનના રોદ પ્રદૂષણ ઘટાડો, પ્રાણી બચાવો, ગરીબી હટાવો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવોના સંદેશ સાથે 1,500 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે. યોગેન શાહ દરરોજના 30 કિલોમીટરનું અંતર કાપે છે અને 15 ઓગસ્ટના રોજ દિલ્હી પહોંચવા માગે છે.
યોગેન શાહની પદયાત્રાનું આ પ્રથમ ચરણ છે. તેમનો ધ્યેય 40,000 કિલોમિટર પગપાળા ચાલવાનો છે. આ ઉપરાંત અમેરિકા, બાંગ્લાદેશ અને વિયેતનામનો પ્રવાસ કરવાનું તેમનુ આયોજન છે.