- સ્ટેટ મોનીટરીંગ સેલની સફળ કામગીરી
- 2 અલગ અલગ કારમાંથી બુટલેગર સહિત બે ઝડપાયા
- બુટલેગરે પોલીસની કારને ટક્કર મારી નાસવાનો પ્રયાસ કર્યો
અરવલ્લી: સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓના પગલે દારૂની માંગ વધતા બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે સ્ટેટ મોનીટરીંગ સેલ બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી રહી છે. બાતમી મળી હતી કે જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુખ્યાત બુટલેગર ભરત અને તેના સાગરીતો કારમાં દારૂ લઇને પસાર થવાના છે. બાતમીના આધારે સ્ટેટ મોનેટરીંગ સેલે રાજસ્થાનને અડીને આવેલ ઈસરી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં SRP જવાનો સાથે અલગ-અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી.
આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
માળકંપા પાસે રાજસ્થાન તરફથી કાર આવતાં પોલીસે તેને અટકાવી હતી. જોકે કાર ચાલકે આડશમાં રાખેલી કારને ટક્કર મારી નાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલના ડ્રાઈવર મંગલા જીવાજીએ બુટલેગરને ઝડપી પાડી કારમાંથી રૂ.૧,૧૩,૯૦૦નો દારૂ ઝડપી પાડ્યો હતો. કારમાંસ્વાર બે લોકો નાસી છુટ્યા હતા. ત્યાર બાદ બીજી એક કાર આવતાં તેને અટકાવી તલાસી લેવાતા તેમાંથી રૂ.૧,૧૬,૦૦૦ નો દારૂ મળી આવતા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે ઇસરી પોલીસ સ્ટેશને વિદેશી દારૂ અને કાર સહિત મુદ્દામાલ મળી કુલ.રૂ. ૯,૯૩,૯૦૦નો જથ્થો જપ્ત કર્યો હતો. ઇસરી પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા