- બાયડ તાલુકા પંચાયતના ફોર્મ ચકાસણીમાં બે કોંગી ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર
- જિલ્લા પંચાયત ડેમાઈ સીટના કોંગ્રેસના ઉમેદવાર કિર્તિ પટેલે ફોર્મ પરત ખેંચ્યું
- અરવલ્લીમાં ચૂંટણી પૂર્વે ભાજપની વિજય કૂચ
અરવલ્લી : જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ પહેલા જ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે અને કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઇ છે. સોમવારે બાયડ તાલુકા પંચાયતના ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે મંગળવારના રોજ જિલ્લા પંચાયત ડેમાઈ સીટના કોંગ્રેસના ઉમેદવાર કિર્તિ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો.
જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે કોંગ્રેસના મેન્ડેટ પરથી ફોર્મ ભરી પરત ખેંચ્યુ
અરવલ્લીમાં ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ભાજપ વિજય કૂચ કરી રહ્યુ છે. સોમવારના રોજ બે તાલુકા પંચાયતની બેઠક પર ભાજપે કબ્જો મેળ્યો હતો. આ સાથે મંગળવારના રોજ જીતના દાવેદાર અને ગત ટર્મમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા એવા અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસના મેન્ડેન્ટ પરથી ઉમેદવારી નોંધાવનારા કિર્તી પટેલે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો. હવે ડેમાઈ સીટ પર ભાજપ અને અપક્ષો વચ્ચે સીધો જંગ જામશે.
કયા કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે?
ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે સ્થિતિ સાફ થઇ ગઇ છે. જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે ભાજપના 30 ઉમેદવારો સામે કોંગ્રેસના 29 અને અન્ય પક્ષોનો 26 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે જિલ્લાના 6 તાલુકા પંચાયતની 128 બેઠકો માટે માટે 342 ઉમેદવારો મેદાનમાં છે. આ સાથે 3 ઉમેદવરો બિનહરીફ જાહેર થયા છે.
બાયડ અને મોડાસા નગરપાલિકા
મોડાસા નગરપાલિકાના 9 વૉર્ડની 36 બેઠકો માટે ભાજપના 26 ઉમેદવારો સામે કોંગ્રેસના 36 અને અન્ય પક્ષોના 14 અને 18 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. તો વળી બાયડ નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપના 24 સામે કોંગ્રેસના 24 અને એક અન્ય પક્ષના ઉમેદવાર મેદાનમાં છે.