- બેંક ઓફ બરોડામાં નેટવર્ક ખોટકાઇ પડતા ગ્રાહકો રોષે ભરાયા
- ખાતેદારો બેંકનું શટર બંધ કરી રોષ વ્યકત કર્યો
- ગ્રામજનોએ ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપ્યુ
અરવલ્લી : જિલ્લાના ભિલોડાના ટોરડા ગામે બેંક ઓફ બરોડામાં નેટવર્ક ખોટકાઇ પડતા ગ્રાહકો રોષે ભરાયા હતા. ખાતેદારોને નાણાંકીય મુશ્કેલીઓ પડતા બેંકનું શટર બંધ કરી રોષ વ્યકત કર્યો હતો.
બેંકમાં 30 જેટલા ગામના લોકોના ખાતા છે 27 હજાર જેટલા સેવિંગ ખાતા
ડિઝિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગામડાના છેવાડાના લોકો માટે હજુ પણ અવિરત ઇન્ટરનેટની સુવિધા એક સ્વપ્ન જેવી છે. ગામડામાં આવેલ બેંકોમાં વારંવાર ઇન્ટરનેટ ખોટકાઇ પડતા ગ્રાહકોને નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભિલોડાના ટોરડા ગામની બેંક ઓફ બરોડાની શાખામાં નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યાથી ગ્રાહકો પરેશાન છે. કનેક્ટિવિટીની સમસ્યાને લઇને રોજ બેંકના ધક્કા પડી રહી હોવાથી લોકોએ રોષે ભરાઈ બેંકનું શટર બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ બેંકમાં 30 જેટલા ગામના લોકોના ખાતા છે. જેમાં 27 હજાર જેટલા સેવિંગ ખાતા તેમજ 600 પેન્શનર્સ અને 500 કે.સી.સી. ખાતાઓ છે.
BSNLએ કનેક્શન ડિસ્કનેક્ટ કર્યા બાદ મુશ્કેલી પડી છે
આ અંગે બેંક મેનેજર જણાવ્યુ હતું કે, વર્ષોથી બેંક આ વિસ્તારમાં કાર્યરત છે. પહેલા આવી કોઇ તકલીફ ન હતી. પરંતુ BSNL એ કનેક્શન ડિસ્કનેક્ટ થયા બાદ આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે. હેડ ઓફિસથી એરટેલનું ડિવાઇસ બેંકને આપવામાં આવ્યું છે. પરંતુ અંતરિયાળ વિસ્તાર હોવાને લઇને નેટવર્કની સમસ્યા છે.
ભિલોડામાં મોટાભાગના ગામડાઓમાં નેટવર્કની સમસ્યા છે
થોડા માસ પહેલા ભિલોડાના કુડોલ ગામમાં નેટવર્કની સમસ્યાના પગલે ગ્રામજનોએ ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું. કુડોલમાં ઝડપી ઇન્ટરનેટને તો વાત દુર રહી, વોઇસ કોલ માટે પણ ગ્રામજનોને તકલીફ પડી રહી છે.