શામળાજીઃ અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે આજે ભગવાન શામળિયા ઠાકોરની ચાંદીના રથમાં રથયાત્રા યોજવામાં આવી હતી. ભગવાન કાળીયા ઠાકોરે ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપ્યાં હતાં. બારેમાસ કાળિયા ઠાકોર મંદિરમાં સોના મઢેલે સિંહાસનમાં બીરાજમાન થઇને ભક્તોને દર્શન આપતાં હોય છે. આ એક જ દિવસ છે જે દિવસે ભગવાન નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપે છે.
ભગવાન કાળિયા ઠાકોરને આજે ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં હતાં અને મંદિરના પૂજારીઓએ રથને ખેંચીને શામળાજી મંદિર પરિસરમાં મંદિરની પરિક્રમા પાંચવાર કરાવીને ભગવાનને નગરચર્યા કરાવી હતી.
કોરોના મહામારીને લઇને ભક્તોની ભીડ ખૂબ ઓછી રાખવા માટેનું આયોજન કરાયું હતું અને મર્યાદિત સેવકો અને ભક્તોની હાજરીમાં ઠાકોરજીની નગરચર્યા પરિક્રમા યોજાઇ હતી. પરિક્રમા બાદ રથને મંદિર પરિસરમાં દિવસભર ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યાં હતાં.