અરવલ્લીઃ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું મરણ થયા બાદ જિલ્લાના કોરોના પોઝિટીવના પ્રથમ એક્ટીવ દર્દી એવા રેણુકાબેન મેસરીયાએ કોરોના સામે જંગ જીત્યો છે. ધનસુરા તાલુકાના છેવાડીયા ગામના 40 વર્ષીય મહિલા રેણુકાબેન બકુલભાઇ મહેરીયાનો અરવલ્લી જિલ્લામાં દ્વિતીય પોઝિટિવ કેસ નોંધાયો હતો.
તેમને બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલા કોવિડ હોસ્પિટલમાં સારવાર બાદ બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી હતી. વિદાય વેળાએ ર્ડાકટરો, નર્સ અને સ્ટાફે તાળીઓથી અભિવાદન કરી વિદાઇ આપી હતી.

રેણુકાબેનને 17 એપ્રિલના રોજ બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના બે રિપોર્ટ નેગેટીવ આવતા તેમને શુક્રવારના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીના સ્વજન બકુલભાઇ મહેરીયા જણાવ્યું કે, જ્યારે મને ખબર પડી કે મારી પત્નીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું સાંભળતા હું ગભરાઇ ગયો હતો.
તેમણે કહ્યું કે, વાત્રકની કોવિડ હોસ્પિટલામાં ખૂબ સારી સારવાર મળતા હું ડોક્ટરો, નર્સ સહિત તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર માનું છે. હું આજે બહુ ખુશ છે કે મારી પત્ની સ્વસ્થ થઇ ગયા છે. તેમણે લોકોને કોરોનાથી ગભરાયા વિના ઘરમાં રહી સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.