- ઇસરી ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
- 55 વર્ષીય આધેડનું ઓક્સિજન ન મળવાના પગલે મૃત્યુ
- દર્દીનું મોત ઓક્સિજનના અભાવે થયું હોવાનો આક્ષેપ
અરવલ્લી: જિલ્લામાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેમાં ગામડાના લોકો વધારે સંક્રમિત થઇ રહ્યા છે. જેના પગલે મેઘરજના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ઇસરીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 20 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જોકે પુરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓના પરિવાજનોને જાતે ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડે છે. આવી પરિસ્થતિમાં હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા એક દર્દીનું મોત થયું હોવાનો પરિવાજનોએ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો: કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનોએ કર્યો હોબાળો
ઓક્સિજનની અછત સર્જાતા થયું મોત
મેઘરજ તાલુકા ગોઢા ગામના 55 વર્ષીય ચીમનભાઈ કોરોનાગ્રસ્ત થયા હતા. જેથી તેમને મેઘરજ કોવિડ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ નીચું જતા તેઓ વેન્ટિલેટર પર હતા, ત્યારે ઓક્સિજનની અછત સર્જાતા તેમનું મોત થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહેસાણા કોવિડ સેન્ટરમાં સારવાર અને ઓક્સિજન ન મળતા દર્દીનું મોત
અરવલ્લીમાં કોરોના કેસ
અરવલ્લી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સતાવાર આંકડાઓ મુજબ કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડા 84 છે, જ્યારે 34 દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. જોકે બિન સતાવાર આંકડાઓ મુજબ 630 જેટલા લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 2039 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.