અરવલ્લી : હવામાન વિભાગની આગહીના પગલે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી વાતાવરણ છે. અરવલ્લીમાં કેટલાક સ્થળોએ ધોધમાર અને તો કેટલાક સ્થળોએ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બાયડ તાલુકાના જોધપુર નજીક આવેલ ઝાંઝરી ધોધ વર્ષા ઋતુમાં સક્રિય થાય છે. વરસાદ થતાં વાત્રક નદી પર વહેતા ધોધથી આ સ્થળ નયનરમ્ય બને છે. ઝાંઝરીની વાત્રક નદીમાં પાણી આવે ત્યારે ત્યાંના પથ્થરોની વચ્ચેથી પુરજોશથી પાણી નીકળી ધોધ સ્વરૂપે વહે છે.
કુદરતી સોંદર્યનો ભરપૂર આનંદ : ગુજરાતમાંથી દુર દુરથી પ્રવાસીઓ આ સ્થળે આવી કુદરતી સોંદર્યનો ભરપૂર આનંદ માણતા હોય છે. આ સ્થળ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે. અત્રે ગંગામાતાનું મંદિર આવેલું છે. એક માન્યતા પ્રમાણે ભુતકાળમાં 24 કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો. વાત્રક નદી પર આવેલા આ ધોધને નિહારવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાથી પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને શનિવાર-રવિવાર તેમજ જાહેર રજાના દિવસે આ સંખ્યા નોંધપાત્ર વધારો જોવા મળે છે.
સહેલાણીયોનો સાવધાન રહેવાની સૂચના : આ ધોધની નીચાણવાળા ભાગમાં સખત પથ્થરમાં થયેલા ધોવાણના કારણે પથ્થરની અંદર થયેલા બખોલમાં પાણી ભરાઇ રહે છે. જોકે ઝાંઝરી ધોધ પર મજા માણવા આવતા કેટલાય સહેલાણીયોનો ભોગ લેવાયો છે, ત્યારે અહીં આવતા લોકોએ સાવચેત રહેવુ અને ધોધની અંદર નાહવા જવું નહીં તેવા તંત્ર તરફથી સુચનો પણ લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. જેમાં બાયડ નજીકના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. બાયડમાં ચાલુ ચોમાસાની ઋતુમાં 9 ઇંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં સરેરાશ 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે.