- કોરોના મહામારીમાં પોલ્ટ્રી ઉદ્યોગ આર્થિક તંગીમાં
- મરઘાપાલકોને ભોગવવી પડી રહી છે આર્થિક સંકળામણ
- કામદારોને પણ કરવામાં આવી રહ્યા છે છૂટા
અરવલ્લી: ગુજરાત ભરનાં પોલ્ટ્રી ફાર્મ કોરોના વાઇરસની બીજી લહેરમાં મંદીની ચપેટમાં આવી ચૂક્યાં છે. વર્ષ 2008-09માં આવેલી બર્ડ ફ્લૂની દહેશતના 11 વર્ષ પછી આવેલી કોરાના મહામારીએ મરઘાનો ભાવ એ વખત કરતા પણ નીચો લાવી દીધો છે. આખા ઉદ્યોગને જાણે કોરોના થઇ ગયો હોય તેમ આર્થિક મોરચે વેન્ટિલેટર પર મૂકાઈ ગયું છે. ત્યારે અરવલ્લીના મોડાસાના વેપારીઓ પણ આ મહામારીમાં સપડાયા છે. એપ્રિલ માસથી ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂ તો વળી રાજસ્થાન અને અન્યો રાજ્યોમાં લોકડાઉનના પગલે છૂટક બજારોમાં મરઘાના ભાવો નીચે આવી ગયા છે.
કિલોએ રૂપિયા 40થી 50નું નુક્સાન
પોલ્ટ્રી ફાર્મ ના માલિક અને ટ્રેડર વારીસ જણાવે છે કે, “ગત લોકડાઉનમાં ખેડૂતોને મોટુ નુક્સાન થયુ હતું. માંડ માંડ બોયલર ચિકનનો ભાવ ફરીથી પાટા પર આવ્યો હતો અને પાછું લોકડાઉનની સમસ્યા આવી ઉભી છે. લોકડાઉનના કારણે કન્ઝપ્શન ઓછું થયું છે. રાત્રે 8 વાગે હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થવાના કારણે આજે ખેડૂતને પર કિલોએ રૂપિયા 40થી 50નું નુક્સાન થઇ રહ્યું છે.
રેસ્ટોરન્ટ અને ફાસ્ટ-ફૂડ ઈટરી બંધ થતા ચિકનની માગ પર નકારાત્મક અસર
મરઘાના પ્રોસેસ્ડ મટનના નિકાસમાં મંદી પણ સ્થાનિક બજારમાં ભાવોને અસર કરે છે. એક માસ અગાઉ પોલ્ટ્રી ફાર્મ પરથી મરઘાનો હોલસેલ ભાવ કિલોએ રૂપિયા 110થી 115 ચાલતો હતો. જે હાલમાં રૂપિયા 70થી 72માં વેચાય છે. બીજી બાજુ મોટા શહેરો અને નગરોમાં રેસ્ટોરન્ટ, ફાસ્ટ-ફૂડ ઈટરી અને ભોજન સમારંભો બંધ થવાને કારણે ચીકનની માગ પર નકારાત્મક અસર થઈ છે. જ્યારે પરિવહનમાં વિક્ષેપ, પેદાશનું જોખમ અને શહેરોમાં કેટલાક જથ્થાબંધ બજારો અને મોલ્સ બંધ થવાથી પણ સપ્લાય ચેઈન પર અસર પડી છે.
અરવલ્લીમાં હજારો કામદારો નોકરી ગુમાવી
અરવલ્લીમાં અંદાજે 5 હજાર પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. જેમાં 30,000 જેટલા કામદારો કામ કરતા હતા. જોકે પોલ્ટ્રી ફાર્મમાં મંદી હોવાથી 50 ટકા કામદારોની છટણી કરવામાં આવી છે. વારીસે વધુમાં ઉમેર્યુ હતું કે, “અરવલ્લીમાં જે 4થી 5 હજાર પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. મંદીના કારણે તેમણે ફાર્મ બંધ કરી દીધા છે. એ ફાર્મ બંધ થવાના કારણે તેમના ત્યાં કામ કરતા કામદારોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે અને જે ફાર્મ ચાલુ છે, ત્યાં પણ ઓછા કામદારોથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. મારા અંદાજ મુજબ અરવલ્લીમાં 7થી 8 હજાર કામદારોએ નોકરી ગુમાવી છે.”