- બાયડના ફતેપુરા ગામમાં ભૂમાફિયાઓએ કબ્જો જમાવતા લોકોમાં રોષ
- રજૂઆત કરતા અધિકારીઓએ આંખ આડા કાન કર્યા
- ગ્રામજનોએ બાયડ-દહેગામ રોડ પર ચક્કાજામ કર્યો
અરવલ્લી : જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો ચક્કાજામ કરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા મોડાસામાં અકસ્માતથી યુવતીના મૃત્યુ બાદ લોકોએ સર્કલ બનાવવા ચક્કાજામ કરી તંત્ર પાસ સમસ્યાનું નિરાકરણ કરાવ્યુ હતું. ત્યારે શુક્રવારે બાયડના ફતેપુરા ગામના ગ્રામજનોએ ગામમાં ઢોર-ઢાંખર અને બળતણ માટે રાખેલી જગ્યા પર ભૂમાફિયાઓએ કરેલ દબાણ હટાવા રોડ બ્લોક કર્યો હતો. ભૂમાફીયઓ કરેલ દબાણ અંગે ગ્રામજનોએ વારંવાર રજુઆત કરવા છતાં દબાણ દૂર ન થતા આખરે ગ્રામજનોએ સતત વાહનોથી ધમધમતા બાયડ-દહેગામ રોડ પર ઉતરી આવ્યા હતા. રોડ પર બેસી જવાની સાથે આડાશ મૂકી રોડ બ્લોક કરી દેતા વાહનોનો લાંબી કતાર લાગી હતી.
“મામલતદાર ચોર છે” અને “ન્યાય આપો ના” બેનર સાથે સૂત્રોચ્ચાર
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, બાયડ મામલતદારની ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ છે. લોકોએ “મામલતદાર ચોર છે” અને “ન્યાયના” બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું. પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ગ્રામજનોએ ચક્કાજામ દૂર કર્યો હતો. ભૂમાફિયાઓને છાવરી વૃક્ષો કાપવાનો આદેશ આપી જમીન પર કબ્જો કરવા ગર્ભીત સંમતિ આપી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ લોકોએ કર્યા હતા. મામલતદાર સામે ગંભીર આક્ષેપ થતા ભારે ચકચાર મચી છે.