અરવલ્લીઃ સરકાર દ્વારા APL-1 અને BPL કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 13 એપ્રિલથી 18 એપ્રિલ સુધી રેશન કાર્ડના છેલ્લા આંકડા મુજબ અનાજ વિતરણ કરવામાં આવ્યુ હતું. જોકે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય એવા લોકો છે જેઓ વાહન સુવિધાના અભાવે સસ્તા અનાજ વિતરણ દુકાન પહોંચી શક્યા નથી. આ અંગે ગાંધીનગર વિભાગની મોડાસા સ્વદેશ જાગરણ મંચ શાખાના નિલેશભાઈ જોશી અને નીતિન પંડ્યા દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અમૂક પરિવારો એવા પણ હતા કે જેઓ મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન સુવિધા બંધ હોવાને કારણે અનાજ લઈ નથી શક્યા તેવા પરિવારો માટે ફરીથી અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. યોજનાનો લાભ લાભાર્થીઓને મળ્યો ન હોવાથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો વપરાયા વગરનો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું.