ધનુસરા શીત કેન્દ્રની બેઠકમાં સેક્રેટરીઓએ સાબરડેરીના ડિરેક્ટર કાંતિભાઇ પટેલ સામે મહત્વના મુદ્દાઓની રજૂઆત કરી હતી. જેમાં દૂધ મંડળીઓના દૂધમાં ઘટ આવવા અને તેની ગુણવત્તા પ્રમાણે દૂધ મંડળીઓને પૂરતા ભાવ ન મળતા હોવાના મુદ્દા પર ચર્ચા કરાઇ હતી. તેમજ સાબર શીત કેન્દ્ર ધનસુરામાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા સાબરડેરીના કર્મચારીઓની બદલી કરાવવાની માગ કરવામાં આવી હતી.
આ અંગે સેક્રેટરીઓએ જણાવ્યું હતું કે, "અરવલ્લી જિલ્લાના ધનસુરા શીત કેન્દ્રમાં કેટલાક કર્મચારીઓના ગેરવહીવટ અને અમુક કર્મચારીઓના મધુપાનના સેવનથી દૂધ મંડળીઓના સેક્રેટરીઓ કંટાળી ગયા છે. દૂધ મંડળીઓને પૂરતો ભાવ ન મળવાને કારણે મંડળીઓ ખોટમાં ચાલી રહી છે. જેની યોગ્ય તપાસ થાય તે માટે બેઠકમાં સાબરડેરીના ડિરેક્ટર કાંતિભાઇ પટેલે રજૂઆત કરી હતી."
સાબર શીત કેન્દ્ર ધનસુરામાં આવતી 80 ટકા દૂધ મંડળીઓમાં તારીખ 1-4-2019 થી 10-7-2019 સુધીમાં દૂધ મંડળીઓએ મોકલેલાં દૂધમાં એસ.એન.એફ એટલે કે, સ્ટાન્ડર્ડ નોર્મલ ફેટ ઓછા આપવામાં આવે છે. ફેટ ઓછા આપવાથી મંડળીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ધનસુરા શીત કેન્દ્રમાં લેબોરેટરી વિભાગમાં ફેટ અને એસ.એન.એફ કાઢવવાની ગુપ્તતા જળવાતી નથી. એટલું જ નહીં એસ.એન.એફ કાઢવાના મશીનની સમયાંતરે યોગ્ય તપાસ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ કરાયા હતા. એટલે તેમાં છેડછાડ કરવામાં આવતી હોવાની પૂરી શક્યતાઓ સેવાઈ છે.
આ ઉપરાંત સાબર શીત કેન્દ્ર ધનસુરામાં ગ્રીડીંગ કરવામાં પણ કર્મચારીઓ નીરસતા દાખવી રહ્યાં હોવા છતાં તેમની બદલી કરવામાં આવતી ન હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. તેથી સાબર ડેરી દ્વારા વિજિલન્સ ટીમ બનાવીને સાબર શીત કેન્દ્ર ધનસુરામાં તપાસ કરવાની માગ ચેરમેન તેમજ સેક્રેટરીઓ દ્વારા કરવામાં આવી છે.